અનામતનો લાભ ખાટવા ખ્રિસ્તી મહિલાએ હિન્દુ ધર્મ અપનાવતાં સુપ્રીમ કોર્ટ વીફરી
- મહિલાને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્રઆપવાનો ઇન્કાર
- પુદુચેરીમાં કારકુનની નોકરી મેળવવા માટે ખ્રિસ્તી મહિલાએ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર માંગ્યું હતુંં
નવી દિલ્હી : ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને દરેક નાગરિકને બંધારણ હેઠળ પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે પણ જો કોઇ ધર્મમાં વિશ્વાસ ન હોય અને માત્ર અનામતનો લાભ મેળવવા માટે ધર્મપરિવર્તન કરે તો તેને સ્વીકારી ન શકાય. આવી વ્યક્તિઓને અનામતનો લાભ આપવો તે સામાજિક નીતિની ભાવનાની વિરૂદ્ધ ગણાય તેમ જણાવી સુપ્રીમ કોર્ટે અરજદાર સેલ્વરાનીની અરજીને ફગાવી દઇ મદ્રાસ હાઇકોર્ટના આદેશને જાળવી રાખી તેને અનુસૂચિત જાતિ-એસસી-નું પ્રમાણપત્ર આપવાની ના પાડી દીધી હતી.
પુદુચેરીમાં ઉચ્ચ શ્રેણીના કારકુનની નોકરી મેળવવા માટે ખ્રિસ્તી મહિલાએ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર માંગ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે હિન્દુ ધર્મ અપનાવી અનુસૂચિત જાતિમાં સામેલ થઇ ચૂકી છે. તેણે દાવો કર્યો હતો કે તે હિન્દુ ધર્મનું પાલન કરે છે અને કલ્લુવન જાતિ ની છે જેનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવેલો છે. મહિલાએ દ્રવિડ ક્વોટામાંં અનામત નો લાભ મેળવવા માટે પોતે હકદાર છે તેમ જણાવ્યું હતું. પરંતુ અરજદાર સી. સેલ્વરાનીની અરજીને મદ્રાસ હાઇકોર્ટે ૨૪ જાન્યુઆરી ૨૦૨૩માં ફગાવી દીધી હતી. જેની સામે સેલ્વરાનીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
અદાલતે મહિલા દ્વારા રજૂ કરવામાં આવેલાં દસ્તાવેજો તથા સાક્ષીઓની જુબાનીઓની સમીક્ષા કરતાં જણાયું હતું કે તે એક જન્મજાત ખ્રિસ્તી મહિલા છે. તે નિયમિત ચર્ચમાં જાય છે આમ છતાં તે પોતાને હિન્દુ ગણાવે છે અને નોકરી મેળવવા માટે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે માંગણી કરે છે. તેનો આ બેવડો વર્તાવ અસ્વીકાર્ય છે.
જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ અરજીની સુનાવણી કરી તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે માત્ર અનામતનો લાભ મેળવવા માટે એક ખ્રિસ્તીને જો અનુસૂચિત જાતિનો દરજ્જો આપવામાં આવે તો તે બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધ ગણાય અને તે છેતરપિંડી આચરી ગણાય. અદાલતે જણાવ્યું હતું કે જો સેલ્વરાની અને તેમના પરિવારે ખરેખર હિન્દુ ધર્મ અપનાવ્યો હોય તો તેમણે ધર્મપરિવર્તન કર્યું હોવાની જાહેરાત કરવા જેવા નક્કર પગલાં ભરવા જોઇતા હતા.