'પરાળ' બાળવા દેવા માટે સુપ્રીમે પંજાબને ખખડાવ્યું કહ્યું : તે બંધ કેમ થાય તે જાણતા નથી, પણ તે બંધ થવું જ જોઈએ
- ન્યાયાલયોની આમન્યા રખાય નહીં તે સૌથી વધુ દુ:ખદ છે
- આ ઉપરાંત રાજસ્થાન સહિત અન્ય રાજ્યોને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવા હુકમ કરતાં કહ્યું : 'અમારા આદેશને અનુસરવો પડે'
નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે આજે મંગળવારે પરાળ બાળવા સંબંધે પંજાબ અને હરિયાણા સરકારોને ખખડાવી નાખી હતી. સાથે કહ્યું હતું કે, દરેક વખતે રાજકીય યુદ્ધ ચાલી જ ન શકે. તે (પરાળ બાળવાનું) બંધ થવું જ જોઈએ. એમ તે જાણતા નથી કે તે કઈ રીતે બંધ થઈ શકે, પરંતુ તે તુર્તજ બંધ થવું જ જોઈએ.'
આ સાથે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર ઉપર પણ જવાબદારી લાદતાં કહ્યું હતું કે, પંજાબમાં ડાંગરના લઘુતમ ભાવો નક્કી કરવાનું બંધ કરવું જોઈએ અને ખેડૂતોને વૈકલ્પિક પાક તરફ વાળવા જોઈએ. સરકાર જાડાં ધાન્ય માટે પ્રચાર તો કરે જ છે, તો પછી તેને પ્રોત્સાહન કેમ નથી આપતી ?
આ સાથે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને અન્ય રાજ્યોને દિવાળી જેવા તહેવારો દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો જ હતો, અને તે રીતે પ્રદૂષણ બને તેટલું ઘટાડવા જણાવ્યું હતું. પરંતુ તેવું કશું થયું નથી.
ઉદયપુરમાં, સતત વધી રહેલા હવાનાં પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા રજૂ કરાતાં કોર્ટે આ પ્રકારનો આદેશ આપતાં કહ્યું હતું કે, જ્યારે પ્રદૂષણની વાત આવે છે ત્યારે તે બાબત કોર્ટે જ કશું કરવું જોઈએ તેમ માનવું જ ભૂલ ભરેલું છે. વાસ્તવમાં તે દરેકની ફરજ બની રહે છે.
તે સર્વ વિદિત થઈ ગયું છે કે પરાળ બાળવાની બાબત હોય કે ફટાકડા ફોડવા પરના પ્રતિબંધની વાત હોય તે કોઈ માટે સુપ્રીમ કોર્ટના આદેશોને પણ જો, અનુસરવામાં ન આવે તો લોકશાહી માટે તેથી વધુ દુ:ખદ બાબત કોઈ ન હોઈ શકે તેમ નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય છે.