સુપ્રીમકોર્ટે પોતાનો જ એશિયન રિસરફેસિંગ જજમેન્ટ પલટી નાખ્યો, 5 જજોની બેન્ચે લીધો નિર્ણય
સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અભય એસ.ઓકા, જે.પી. પારડીવાલા, પંકજ મિત્તલ તથા મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચે આ ચુકાદાને પલટી નાખ્યો હતો
Supreme Court Overturns 'Asian Resurfacing' Judgment: સુપ્રીમકોર્ટે એક મોટો ચુકાદો સંભળાવતા તેના 2018ના એશિયન રિસરફેસિંગ ચુકાદાને પલટી નાખ્યો હતો. જેમાં એવી જોગવાઈ હતી કે હાઈકોર્ટ દ્વારા સ્ટેને આગળ ન વધારવામાં આવે તો સિવિલ તથા ગુનાઈત કેસમાં સુનાવણી પર રોક લગાવતા વચગાળાના આદેશ જારી થવાની તારીખથી 6 મહિના બાદ આપમેળે સમાપ્ત થઇ જાય છે.
ટાઈમલાઈન નક્કી કરતાં બચવાની સલાહ
સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અભય એસ.ઓકા, જે.પી. પારડીવાલા, પંકજ મિત્તલ તથા મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચે આ ચુકાદાને પલટી નાખ્યો હતો. ટોચની કોર્ટે નવા ચુકાદામાં કહ્યું કે 6 મહિના બાદ ટ્રાયલ કોર્ટ કે પછી હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલ સ્ટે આપમેળે સમાપ્ત ન થઇ શકે. ચુકાદો સંભળાવનારા જસ્ટિસ ઓકાએ કહ્યું કે બેન્ચ એશિયન રિસરફેસિંગ મામલે આપવામાં આવેલા નિર્દેશો સાથે સહમત નથી. બંધારણીય કોર્ટ આવા કેસનો નિકાલ લાવવા ટાઈમલાઈન નક્કી કરતાં બચે. જોકે સુપ્રીમકોર્ટે એમ પણ કહ્યું કે અપવાદવાળી સ્થિતિમાં આવું કરી શકાય છે.
જૂના ચુકાદામાં શું હતું?
ઉલ્લેખનીય છે કે જૂના ચુકાદામાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે તમામ દિવાની અને ગુનાઈત કેસમાં કાર્યવાહી પર સ્ટેનો આદેશ 6 મહિનાની સમયમર્યાદા વીતી જવા પર આપમેળે સમાપ્ત થઈ જશે એ પણ ત્યારે જ્યારે તેને આગળ વધારવામાં ન આવ્યું હોય. આ નિર્ણય સુપ્રીમકોર્ટે એશિયન રિસરફેસિંગ ઓફ રોડ એજન્સી પી લિમિટેડના નિર્દેશક વિરુદ્ધ સીબીઆઈના કેસમાં સંભળાવ્યો હતો. જોકે પછીથી સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો તેના તરફથી સ્ટે આપવામાં આવ્યું હોય તો નિર્ણય લાગુ નથી થતો. સુપ્રીમકોર્ટે આ કેસને 13 ડિસેમ્બર 2023ના રોજ વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદી, સોલિસીટર જનરલ તુષાર મહેતા અને અન્ય વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખી લીધો હતો.