હવે દરેકને ખબર પડશે કે કોણે કઈ પાર્ટીને કેટલું દાન આપ્યું, SCના નવા આદેશનો અર્થ સમજો
સુપ્રીમ કોર્ટે યૂનિક નંબર પર SBI પાસે માગ્યો જવાબ
સ્ટેટ બેંકના બોન્ડનો યુનિક નંબર જાહેર નથી કર્યો
Unique Number of Electoral Bonds : સુપ્રીમ કોર્ટે એસબીઆઈ દ્વારા ચૂંટણી પંચને સોપવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતીમાં યુનિક નંબર સામેલ ન કરવા બદલ નારાજગી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (SBI)ને ચૂંટણી બોન્ડ નંબર એટલે કે યુનિક નંબર આપવા માટે જણાવ્યું હતું. હકીકતમાં બે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને કપિલ સિબ્બલે આ બાબચે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરતાં કહ્યું હતું કે, SBIએ યુનિક નંબર આપ્યો નથી, તેના કારણે ઘણી બાબતો જાણી શકાશે નહીં. આવો આપણે જાણીએ કે પ્રશાંત ભૂષણ અને કપિલ સિબ્બલ કયા યુનિક નંબરની વાત કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે SBIને ચૂંટણી બોન્ડ ના કયા નંબર આપવા કરવા કહ્યું છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે આ નંબર જોયા પછી શું શું જાણી શકાશે.?
શું છે તે યુનિક નંબર, જાણો
સુપ્રીમ કોર્ટે જે યુનિક નંબરની વાત કરી છે તે હકીકતમાં દરેક ચૂંટણી બોન્ડ પર છાપવામાં આવે છે. યુનિક નંબર દરેક બોન્ડ પર અલગ- અલગ હોય છે. એક રિપોર્ટ મુજબ SBI દ્વારા જે ચૂંટણી બોન્ડ આપવામાં આવ્યા છે તેના પર નોંધાયેલ નંબર નરી આંખે જોઈ શકાતા નથી. પરંતુ તેને અલ્ટ્રાવાયોલેટ કિરણો (યુવી લાઇટ) માં જોઈ શકાય છે. આ નંબરને 'અંગ્રેજી મૂળાક્ષરોના અક્ષરો અને સંખ્યાઓ 'ને જોડીને (આલ્ફાન્યૂમેરિક) બનાવેલ હોય છે.
યુનિક નંબર પરથી શું શું જાણી શકાશે
યુનિક નંબરને સામાન્ય રીતે મેચિંગ કોડ કહેવામાં આવે છે. આ નંબર પરથી ખ્યાલ આવે છે કે, કોઈ ચોક્કસ બોન્ડ કોણે ખરીદ્યા છે અને કોના માટે ખરીદ્યા છે. એટલે કે,જો યુનિક નંબર હાથમાં આવી જાય તો સ્પષ્ટપણે જાણી શકાશે કે કઈ કંપની, સંસ્થા અથવા વ્યક્તિએ કઈ રાજકીય પાર્ટીને કેટલું દાન કર્યું છે. હાલમાં એસબીઆઈએ ચૂંટણી પંચને જે માહિતી આપી છે તેના પરથી એ જાણી શકાયું નથી કે કઈ પાર્ટીએ કોની પાસેથી કેટલું ડોનેશન મેળવ્યું છે. અત્યારે માત્ર એટલું જાણવા મળ્યું છે કે કઈ કંપનીએ કેટલી કિંમતના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે અને કઈ-કઈ પાર્ટીને ચૂંટણી બોન્ડમાંથી કેટલા રુપિયા મળ્યા છે.