Get The App

સંભલ મસ્જિદ વિવાદમાં નીચલી કોર્ટને કોઈ એક્શન નહીં લેવા સુપ્રીમનો આદેશ

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
સંભલ મસ્જિદ વિવાદમાં નીચલી કોર્ટને કોઈ એક્શન નહીં લેવા સુપ્રીમનો આદેશ 1 - image


- મસ્જિદના સરવેના વિવાદમાં મુસ્લિમ-હિન્દુ બંને પક્ષોને સુપ્રીમની રાહત

- મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા અને હાઈકોર્ટને ત્રણ વર્કિંગ ડેમાં અરજીનું લિસ્ટિંગ કરવા સુપ્રીમનો આદેશ

લખનઉ : ઉત્તર પ્રદેશના સંભલમાં મુઘલ યુગની શાહી જામા મસ્જિદ અને ચંદૌસીમાં તેના સરવેના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંભલની ટ્રાયલ કોર્ટને કોઈપણ પગલાં નહીં લેવા આદેશ આપ્યો છે. આ સાથે સુપ્રીમે હિંસાગ્રસ્ત શહેરમાં શાંતિ અને સદ્ભાવના જાળવવા માટે ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો છે. જામા મસ્જિદના સરવે મુદ્દે થયેલી હિંસા પછી તણાવપૂર્ણ વાતાવરણમાં આજે શાહી જામા મસ્જિદ અને જિલ્લામાં અન્ય સ્થળો પર શુક્રવારની નમાઝ શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. જોકે, સંભલમાં સુપ્રીમે મુસ્લિમ પક્ષની સાથે સરવે રિપોર્ટ સીલબંધ અને ગુપ્ત રાખવાની વાત કરીને હિન્દુ પક્ષને પણ રાહત આપી છે.

ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે સંભલ ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો હતો. આ કેસમાં મસ્જિદ સમિતિની અરજી હાઈકોર્ટમાં લિસ્ટેડ ના થાય ત્યાં સુધી નીચલી કોર્ટ કોઈ કાર્યવાહી કરી શકશે નહીં. સંભલની શાહી જામા મસ્જિદ સમિતિએ નીચલી કોર્ટના સરવેના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

જોકે, મસ્જિદ સમિતિએ નીચલી કોર્ટના આદેશને સીધો સુપ્રીમમાં પડકાર્યો હોવાથી સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ પીવી સંજયકુમારની બેન્ચે મસ્જિદ સમિતિને હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતું. સાથે જ સુપ્રીમે હાઈકોર્ટને મસ્જિદ સમિતિની અરજીનું લિસ્ટિંગ ત્રણ વર્કિંગ દિવસની અંદર કરવા પણ નિર્દેશ આપ્યા છે. 

જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં મુસ્લિમ પક્ષને રાહત આપવાની સાથે હિન્દુ પક્ષને પણ રાહત આપી હતી. સુપ્રીમે જામા મસ્જિદનો સરવે રિપોર્ટ દાખલ કરવા પર સ્ટે મુકવાની મુસ્લિમ પક્ષની માગ ફગાવી હતી અને કહ્યું કે આ રિપોર્ટને સીલબંધ અને ગુપ્ત રખાશે. આ સાથે સુપ્રીમે આ કેસની વધુ સુનાવણી ૬ જાન્યુઆરી પર મુલતવી રાખી છે. મુસ્લિમ સમિતિની અરજી પર સુપ્રીમે કોઈ ચૂકાદો અથવા મત આપ્યા નહોતા. સંભલની ટ્રાયલ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થવાની હતી, પરંતુ સુપ્રીમના આદેશના પગલે આ સુનાવણી ટાળી દેવામાં આવી છે. 

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, જિલ્લા તંત્ર બધા જ પક્ષોના પ્રતિનિધિઓ સાથે શાંતિ સમિતિ બનાવશે. આપણે સંપૂર્ણપણે તટસ્થ રહેવું પડશે અને કશું જ ના થાય તે સુનિશ્ચિત કરવું પડશે. આ કેસમાં સુનાવણી સમયે મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે, સમગ્ર દેશમાં આ પ્રકારના ૧૦ કેસ પેન્ડિંગ છે, જેમાંથી પાંચ ઉત્તર પ્રદેશમાં છે. આવા કેસમાં પહેલાં કેસ દાખલ કરવામાં આવે છે અને પછી વાર્તા ઉપજાવી કાઢવામાં આવે છે.

નીચલી કોર્ટના આદેશ પર વકીલ કમિશનરે જામા મસ્જિદનો સરવે કરાવ્યો હતો. આ સરવે રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ કરવાની હતી. જોકે, તે હજુ સુધી રજૂ કરાઈ નથી. સંભલમાં જામા મસ્જિદ હકીકતમાં હરિહર મંદિર હોવાનો દાવો કરાયો છે.

દરમિયાન સંભલમાં તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે જામા મસ્જિદમાં મુસ્લિમોએ શુક્રવારની નમાઝ અદા કરી હતી. જોકે, નમાઝ વપહેલાં ઓથોરિટીએ સ્થાનિક રહેવાસીઓને જામા મસ્જિદના બદલે આજુબાજુની મસ્જિદોમાં નમાઝ પઢવા વિનંતી કરી હતી. વધારામાં પોલીસ જવાનોએ સ્થિતિ પર નજર રાખવા માટે વધારાના સીસીટીવી લગાવ્યા હતા. સર્વેલન્સ અને કોઈપણ સંભવિત વિખવાદને ટાળવા માટે ડ્રોન પણ નિયુક્ત કરાયા હતા.આ સિવાય જિલ્લામાં કોમી હિંસાના તણાવ વચ્ચે શુક્રવારે ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરાઈ હતી. જિલ્લા માહિતી અધિકારી બ્રિજેશ કુમારે કહ્યું કે, સાંજે ૪.૦૦ વાગ્યે ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ હતી. 


Google NewsGoogle News