મતદાનના સીસીટીવી ડેટા સાચવી રાખવા પંચને સુપ્રીમનો આદેશ
મતદાન મથકે મતદારોની સંખ્યા વધારવા સામે પીઆઇએલ
ડેટા જનતાને ના આપવા સામેની અરજી મુદ્દે પણ સુપ્રીમે કેન્દ્ર-પંચ પાસેથી જવાબ માગ્યો હતો
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી પંચે મતદાન મથકે મતદારોની ઓછામાં ઓછી સંખ્યા વધારીને ૧૫૦૦ કરવા વિચારી રહ્યું હોવાનું કહ્યું હતું. જેને બાદમાં ઇંદુ પ્રકાશ સિંઘ દ્વારા એક પીઆઇએલ કરીને સુપ્રીમમાં પડકાર ફેંકાયો હતો. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે ચૂંટણી પંચને સીસીટીવી ફૂટેજ કે વીડિયો રેકોર્ડિંગના ડેટા સાચવવા આદેશ આપ્યો હતો. આ પહેલા મતદાન પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ લોકોને ના આપવા માટે સુધારા કરાયા હતા, જેને કોંગ્રેસ નેતા જયરામ રમેશે સુપ્રીમમાં પડકાર્યા હતા.
૧૫ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે જયરામ રમેશની અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો. જ્યારે પીઆઇએલ કરનારા ઇંદુ પ્રકાશ સિંઘે એવી દલીલ કરી હતી કે મતદાન મથકે મતદારોની સંખ્યા વધારવાનો નિર્ણય અનુમાન આધારીત છે તેના માટે પંચ પાસે કોઇ ડેટા નથી. હાલમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ પાસે જવાબ રજુ કરવા માટે સમય માગ્યો હતો જેથી સુપ્રીમે ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો.