17 મહિના પછી મનીષ સિસોદિયાને મળ્યાં જામીન, દિલ્હીના પૂર્વ ડે.સીએમને સુપ્રીમ કોર્ટની મોટી રાહત

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
17 મહિના પછી મનીષ સિસોદિયાને મળ્યાં જામીન, દિલ્હીના પૂર્વ ડે.સીએમને સુપ્રીમ કોર્ટની મોટી રાહત 1 - image



Manish Sisodia: દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. 17 મહિના બાદ આખરે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે. આ મામલે જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની બેન્ચે ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલા બેન્ચે 6 ઓગસ્ટે આ મામલે જ ચુકાદો અનામત રાખ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો 

ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી હતી. જેની સામે આખરે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.

સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા શું કહ્યું? 

ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મનીષને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈપણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મનીષ સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી મનીષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પહેલા આદેશ અનુસાર 6થી 8 મહિનાની મુદ્દત વીતી ગઈ છે. વિલંબના આધારે જામીનની વાત અમે ગત વર્ષે ઓક્ટોબરના આદેશમાં જ કહી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે ASGની વિનંતી ન સ્વીકારી

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે મનીષ સિસોદિયાને દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશતા અટકાવે. પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે 'અમે આની મંજૂરી આપી શકીએ નહીં.' નોંધનીય છેકે આ કેસમાં જસ્ટિસ બી.આર ગવઈ અને જસ્ટિસ કે.વી વિશ્વનાથની બેન્ચે 6 ઑગસ્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.

સિસોદિયાને આ શરતો પર મળ્યા જામીન

સુપ્રીમ કોર્ટે જામીન આપતાં કહ્યું કે 'મનીષ સિસોદિયા સમાજના સન્માનિત વ્યક્તિ છે અને તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી. આ કેસમાં મોટાભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે અને છેડછાડની કોઈ શક્યતા નથી. જો કે, સાક્ષીઓને પ્રભાવિત કરવા અથવા ડરાવવાના કિસ્સામાં તેમની પર શરતો લગાડવામાં આવી શકે છે.' સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને 10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. આ ઉપરાંત બે મોટી શરતો પણ રાખવામાં આવી છે. જેમાં પ્રથમ શરત એ છે કે તેઓએ પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. અને બીજી શરત એ છે કે તેમણે (ડેપ્યુટી સીએમ) દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.'

સમગ્ર કેસ શું છે?

મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી હતી. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ સિસોદિયા પર ઘણા જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી હતી. સિસોદિયાએ 2023ની 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. સિસોદિયાએ એમ કહીને જામીનની માંગણી કરી હતી કે તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે અને તેમની સામેની સુનાવણી હજુ શરૂ થઈ નથી. ED અને CBIએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

17 મહિના પછી મનીષ સિસોદિયાને મળ્યાં જામીન, દિલ્હીના પૂર્વ ડે.સીએમને સુપ્રીમ કોર્ટની મોટી રાહત 2 - image


Google NewsGoogle News