આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાદો, અમારો આદેશ માત્ર દિલ્હી-NCR પૂરતો મર્યાદિત નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની પણ ઝાટકણી કાઢી, કહ્યું પંજાબ સરકાર કોઈપણ રીતે પરાળી સળગાવવાનું રોકે
અમે અમારા જુના આદેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો મામલો સ્થાનિક સરકારો પર છોડ્યો હતો : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, તા.07 નવેમ્બર-2023, મંગળવાર
રાજધાની દિલ્હી સહિતના રાજ્યોમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ને ડામવા સરકાર પણ નીત-નવા નિયમોનો અમલ કરાવી રહી છે. ઉપરાંત દેશમાં દિવાળી (Diwali) ટાણે ફટાકડાનું ધમધોકાટ વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થવાનો છે, ત્યારે ફટાકડા મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) પણ કડક વલણ અપનાવ્યું છે.
‘અમારો આદેશ આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો હતો’
ફટાકડા પર પ્રતિબંધ લાદવાના કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે અગાઉ આપેલો આદેશ માત્ર દિલ્હી પૂરતો નથી. અમારો આદેશ આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો હતો. તેમણે કહ્યું કે, અમે અમારા જુના આદેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો મામલો સ્થાનિક સરકારો પર છોડ્યો હતો, પરંતુ હોસ્પિટલ જેવી આરોગ્ય સેવાઓ, સંવેદનશીલ સ્થળો પર ફટાકડા ન ફોડવા તેમજ ફટાકડા ફોડવા માટેનો સમય મર્યાદા નક્કી કરવા માટે કહ્યું હતું. NCRમાં આવતા રાજસ્થાન (Rajasthan)ના વિસ્તારોમાં દિલ્હી-એનસીઆરના નિયમો લાગુ થશે, એટલે કે ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
‘પ્રદૂષણ રોકવાનું કામ માત્ર કોર્ટનું નથી’
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર સહિત દેશભરના અન્ય શહેરોમાં વધતા પ્રદૂષણ કેસની સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. પંજાબમાં પરાળ સળગાવવા તેમજ દેશના અન્ય રાજ્યોમાં અન્ય કારણોસર વધતા પ્રદૂષણને ધ્યાને રાખી કોર્ટે કહ્યું કે, પ્રદૂષણ રોકવાનું કામ માત્ર કોર્ટનું નથી, આ તમામની જવાબદારી છે, ખાસ કરીને સરકારની સૌથી મોટી જવાબદારી છે.
સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની પણ ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાને રાખી કહ્યું કે, સરકાર પરાળી સળગાવવાની ઘટનાઓને રોકે, તેઓ કેવી રીતે રોકે છે, તે અમે જાણતા નથી, પરંતુ પંજાબ સરકાર (Punjab Government) પરાળી સળગાવતા રોકે. કોર્ટે વધુમાં કહ્યું કે, તમે હંમેશા રાજકીય લડાઈ લડતા રહો, તેવું દર વખતે ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને અન્ય રાજ્ય સરકારોને પણ અગાઉના આદેશનો અમલ કરવા કહ્યું છે.
સુપ્રીમે પ્રદૂષણનો સામનો કરી રહેલા રાજ્ય સરકારોની પણ ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમારો આદેશ માત્ર એક રાજ્ય અથવા દિલ્હી-એનસીઆર પુરતો સિમીત નથી, આ દેશભરમાં લાગુ છે. સુપ્રીમ કોર્ટે કર્યું કે, જે રાજ્યોમાં પ્રદૂષણની સમસ્યા છે ત્યાંની રાજ્ય સરકારોએ સ્થાનિક સ્તરે તેના ઉકેલ માટે પગલાં લેવા જોઈએ. પ્રદૂષણને કાબૂમાં લેવાની માત્ર રાજ્ય સરકારની જવાબદારી નથી.