'જેના ઘર પર બુલડોઝર ફેરવ્યું તેને 25 લાખ વળતર આપો...' યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
Supreme Court On UP Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આજે (છઠ્ઠી નવેમ્બર) ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે બુલડોઝરનો ઉપયોગ કરીને લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં મનોજ ટિબરેવાલે આકાશ વતી રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું છે કે, 'જે વ્યક્તિનું ઘર તોડી પાડ્યું છે તેને 25 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.'
સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરી
બુલડોઝરની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, 'માત્ર 3.6 ચોરસ મીટરનું અતિક્રમણ છે. તમારા દ્વારા આનો કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી. નોટિસ આપ્યા વિના તમે કોઈનું ઘર તોડવાનું કેવી રીતે શરૂ કરી શકો? કોઈના ઘરમાં ઘૂસી જવું એ અરાજકતા છે. તમારે પીડિતોને 25 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.'
'રાતોરાત મકાનો તોડી ન શકાય'
સુપ્રીમ કોર્ટે 2019માં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે મકાનો તોડી પાડવા સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું, 'તમે બુલડોઝર લાવીને રાતોરાત ઘર તોડી ન શકો. કાયદાનું પાલન કર્યા વિના કે નોટિસ આપ્યા વિના તમે કોઈના ઘરમાં ઘૂસીને તેને કેવી રીતે તોડી શકો છો.'
અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આદેશનો અમલ એક મહિનામાં કરવાનો રહેશે. કોર્ટે કહ્યું, 'તે સ્પષ્ટ છે કે ડિમોલિશન કાયદાની સત્તા વિના અને મનસ્વી રીતે કરવામાં આવ્યું હતું.'
'બદલો લેવાની ભાવના'
અરજદારના જણાવ્યાનુસાર, હાઈવે પર અતિક્રમણના આરોપમાં કોઈપણ પૂર્વ સૂચના અથવા ખુલાસો વિના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારે દાવો કર્યો હતો કે રસ્તાના નિર્માણ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓ વિશે મીડિયાને જાણ કર્યા પછી ઘર તોડી પાડવું એ બદલો લેવાની ભાવના છે.