Get The App

અદાણીની મુશ્કેલી વધી, અમેરિકાના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં માગ, બાંગ્લાદેશે પણ કર્યો મોટો નિર્ણય

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
અદાણીની મુશ્કેલી વધી, અમેરિકાના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં માગ, બાંગ્લાદેશે પણ કર્યો મોટો નિર્ણય 1 - image


સંસદ સત્ર સમયે જ અદાણી પર આરોપ મુદ્દે ભાજપે સવાલ ઉઠાવ્યો

બાંગ્લાદેશની યુનુસ સરકારનો શેખ હસીનાના સમયમાં અદાણી સાથે થયેલા વીજળી કરારોની સમીક્ષા કરવા નિર્ણય

નવી દિલ્હી: ભારતમાં સોલાર પ્રોજેક્ટ માટે અધિકારીઓને લાંચ આપવા અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી મુદ્દે અમેરિકામાં આરોપો ઘડાયા પછી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી રહી છે. અમેરિકાના આરોપોની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ માટે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે. બીજીબાજુ શેખ હસિના સરકારે અદાણી જૂથ સાથે કરેલા વીજળી કરારોની સમીક્ષા કરવાનો બાંગ્લાદેશની વચગાળાની સરકારે નિર્ણય કર્યો છે. આવા સમયે ભાજપ નેતા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સંસદના સત્ર અગાઉ ગૌતમ અદાણી સામે અમેરિકા દ્વારા આરોપો ઘડવાના સમય મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકાએ કથિત લાંચ અને છેતરપિંડી બદલ આરોપ ઘડયા છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી મારફત ભારતીય એજન્સીઓ દ્વારા આ કેસની તપાસની માગ કરવામાં આવી છે. 

અરજીમાં આરોપ મૂકાયો છે કે અમેરિકન કોર્ટના આરોપો અને એસઈસીની ફરિયાદમાં ગૌતમ અદાણી અને તેમના અધિકારીઓ દ્વારા ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાના ગંભીર આરોપ મૂકાયા છે. ભારતીય તપાસ એજન્સીઓએ આ આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં વકીલ વિશાલ તિવારીએ આ અરજી કરી છે. અગાઉ પણ વિશાલ તિવારીએ અદાણી જૂથ પર હિન્ડનબર્ગના રિપોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓનું નેતૃત્વ કર્યું હતું. 

અરજીમાં ભારતીય બજાર નિયામક સેબીની કામકાજની રીત પર પણ સવાલ ઉઠાવાયો છે. અરજીમાં તર્ક અપાયો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી ગૂ્રપ પર તપાસ માટે માર્ચ ૨૦૨૩માં સેબીને આદેશ આપવા છતાં તપાસના પરિણામોનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી. જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. અરજીમાં માગ કરાઈ છે કે સેબીની તપાસના નિષ્કર્ષ જાહેર કરવામાં આવે જેથી રોકાણકારોનો વિશ્વાસ ફરીથી હાંસલ કરી શકાય.

માર્ચ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી જૂથ વિરુદ્ધ સ્ટોકની કિંમતોમાં હેરાફેરી, સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટના નિયમોના ભંગ અને સંબંધિત પક્ષોની લેવડ-દેવડની માહિતી એક્સચેન્જને નહીં આપવાના આરોપોની તપાસ કરવા આદેશ આપ્યો હતો. પરંતુ હજુ સુધી સેબીની તપાસની કોઈ માહિતી જાહેર કરાઈ નથી.

ગૌતમ અદાણી અમેરિકાના કેસનો સામનો કરી રહ્યા છે તેવા સમયે હવે બાંગ્લાદેશની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારે અગાઉની શેખ હસીના સરકાર દ્વારા અદાણી જૂથ સાથે કરવામાં આવેલા વીજળી કરારની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશના વીજળી, ઊર્જા અને ખનીજ સંશાધન મંત્રાલયની રાષ્ટ્રીય સમીક્ષા સમિતિએ રવિવારે વચગાળાની સરકારને વર્ષ ૨૦૦૯ અને ૨૦૨૪ વચ્ચે શેખ હસીનાના શાસનમાં થયેલા મુખ્ય સાત વીજળી કરારોની સમીક્ષા કરવા કાયદાકીય અને તપાસ એજન્સી નિયુક્ત કરવા ભલામણ કરી છે.



Google NewsGoogle News