Get The App

કલંકિત ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
કલંકિત ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ 1 - image


- રાજકારણનું ગુનાઈતકરણ રોકવા સુપ્રીમમાં પીઆઈએલ થઈ

- 2019 ની લોકસભા ચૂંટણીમાં 539 વિજેતાઓમાંથી 233 સાંસદો સામે ફોજદારી કેસો ચાલી રહ્યા છે : અરજદારનો દાવો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગંભીર ગૂનાઓના આરોપોનો સામનો કરનારા લોકોને ચૂંટણી લડવાથી દૂર રાખવા માટે થયેલી એક અરજીનો જવાબ આપવા માટે શુક્રવારે કેન્દ્ર સરકારને બે સપ્તાહનો સમય આપ્યો છે. ન્યાયાધીશો સૂર્યકાંત અને દીપાંકર દત્તાની બેન્ચને વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે માહિતી આપી હતી કે, આ અરજીના પ્રતિસાદમાં કેન્દ્ર તરફથી કોઈ જવાબ દાખલ થયો નથી.

બેન્ચે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પીઆઈએલનો જવાબ આપવા માટે વધુ સમય માગ્યો છે. તેમને બે સપ્તાહનો સમય આપવામાં આવે છે. અગાઉ વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચૂંટણી પેનલ અને કેન્દ્ર સરકારને નોટિ સ પાઠવી હતી. અશ્વિની ઉપાધ્યાય દ્વારા વકીલ અશ્વિની કુમાર દુબે મારફત દાખલ કરવામાં આવેલી અરજીમાં ફોજદારી કેસોનો સામનો કરતા લોકોને ચૂંટણી લડતા રોકવા ઉપરાંત ગંભીર ગૂનામાં ટ્રાયલનો સામનો કરનારા ઉમેદવારોને ચૂંટણીથી દૂર રાખવા માટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નિર્દેશો આપવાની માગણી કરાઈ છે.

જાહેર હિતની અરજીમાં દાવો કરાયો છે કે કાયદા પંચની અનેક ભલામણો અને અદાલતોના અગાઉના નિર્દેશો છતાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચે આ સંબંધમાં કોઈ પગલાં લીધાં નથી. અરજીમાં જણાવાયું હતું કે, વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૫૩૯ વિજેતાઓમાંથી ૨૩૩ અંદાજે ૪૩ ટકા સાંસદોએ તેમની સામે ફોજદારી કેસો ચાલતા હોવાનું જાહેર કર્યું હતું.

સ્વયંસેવી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલના આંકડાઓને ટાંકીને અરજીમાં જણાવાયું હતું કે, વર્ષ ૨૦૦૯ બાદથી ગંભીર ફોજદારી કેસોનો સામનો કરનારા સાંસદોની સંખ્યામાં ૧૦૯ ટકાનો વધારો થયો છે, જેમાં એક સાંસદે તો તેની સામે સદોષ માનવ વધ, લૂંટ સંબંધિત કેસ સહિત ૨૦૪ ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

અરજીમાં જણાવાયું છે કે દેશમાં વધુ ભયાનક બાબત એ છે કે વર્ષો જતાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની જીતવાની સંભાવનાની ટકાવારી વધી છે. ચૂંટણીમાં લડવું ઉમેદવારો માટે ખર્ચાળ બન્યું છે તેવા યુગમાં રાજકીય પક્ષો 'પોતાના ખર્ચે' ચૂંટણી લડતા આવા કલંકિત છબી ધરાવતા ઉમેદવારો પર નિર્ભર બનતા ગયા છે. તેનું અન્ય એક કારણ એ પણ છે કે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની સરખામણીમાં કલંકિત છબી ધરાવતા ઉમેદવારોના જીતવાની સંભાવના વધુ હોય છે. વર્તમાન સમયમાં રાજકારણનું ગુનાઈતકરણ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે અને રાજકીય પક્ષોએ હજુ પણ કલંકિત છબી ધરાવતા ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખવાનું ચાલુ રાખવાના કારણે લોકોને ગંભીર નુકસાન થયું છે. વધુમાં મતદારો મુક્ત અને ન્યાયી રીતે મતદાન કરી શકતા નથી.


Google NewsGoogle News