Get The App

કયા આધારે 77 મુસ્લિમ જાતિને OBC દરજ્જો આપ્યો?', સુપ્રીમ કોર્ટે આ રાજ્યની સરકારથી માગ્યો જવાબ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
mamta benerjee

Image: IANS


Supreme Court Decision On Bengal's OBC Reservation: સુપ્રીમ કોર્ટે બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓને OBC અનામત આપવાના નિર્ણય પર રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. મમતા સરકારના નિર્ણય પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો, જેના પર રાજ્યે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે રાજ્ય સરકારે 77 જાતિઓને ઓબીસીનો દરજ્જો કયા આધાર પર આપ્યો હતો. જેમાંની મોટાભાગની જાતિઓ મુસ્લિમ ધર્મનું પાલન કરે છે. મે મહિનામાં જ કોલકત્તા હાઈકોર્ટે આ અનામતને ગેરકાયદેસર જાહેર કરી હતી અને આ કેસની સુનાવણી દરમિયાન 77 જાતિઓને આ કેટેગરીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો. 

હાઈકોર્ટ પર બંગાળ સરકારના આકરા આક્ષેપો

બંગાળ સરકારના વકીલે હાઈકોર્ટ પર જ આકરા પ્રહારો કર્યા હતા. રાજ્ય સરકારે OBC ક્વોટા અંગે તૈયાર કરેલી જાતિ મુજબની યાદી પર હાઈકોર્ટની આકરી ટિપ્પણીઓ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આટલું જ નહીં, દલીલો દરમિયાન બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટને સવાલ કર્યો હતો કે શું હાઈકોર્ટ પોતે રાજ્ય ચલાવવા માંગે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન બંગાળ સરકારના વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું કે હાઈકોર્ટે તેની મર્યાદાથી આગળ વધીને નિર્ણય આપ્યો છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાનું રાજીનામું, દેખાવકારો પીએમ હાઉસમાં ઘૂસી ગયા

મુસ્લિમ સમુદાયનો રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ

આ વર્ષે મે મહિનામાં હાઈકોર્ટે 77 મુસ્લિમ જાતિઓને OBC યાદીમાં સામેલ કરવાના નિર્ણયને ફગાવી દીધો હતો. આ સાથે હાઈકોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ સમુદાયનો રાજકીય સ્વાર્થ પૂરો કરવા માટે એક વસ્તુ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે વાંધો વ્યક્ત કરતાં બંગાળ સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. બંગાળ સરકારે કહ્યું, 'આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે તેઓ મુસ્લિમ છે? તેઓ કહે છે કે આ ધર્મની વાત છે. જે સદંતર ખોટું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોને અનામત એટલા માટે આપવામાં આવી છે કારણ કે તેઓ મુસ્લિમ છે. અમારી પાસે એવા અહેવાલો છે કે તમામ સમુદાયોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ કામ મંડલ કમિશનની ભલામણોના આધારે કરવામાં આવ્યું છે.'

બંગાળમાં કોઈ અનામત લાગુ નહીં થાય

આ દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે બંગાળ પછાત વર્ગ આયોગનો ઉલ્લેખ કર્યા વિના જાતિઓની ઓળખ કરવામાં આવી. આ દલીલ છે. અધિનિયમને નકારી કાઢવાની ગંભીર અસરો છે. હાલમાં બંગાળમાં કોઈ અનામત લાગુ કરવામાં આવી રહી નથી. આ એક મુશ્કેલ પરિસ્થિતિ છે. તેના પર ઈન્દિરા જયસિંહે કહ્યું કે રાજ્યમાં આખી અનામત વ્યવસ્થા અટવાઈ ગઈ છે. વાસ્તવમાં હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે કઈ જાતિને કઈ દરજ્જો આપવો એ કમિશનનું કામ છે. રાજ્ય સરકારનુ નહીં. આ કમિશનની રચના 1993માં કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા 2012માં કાયદો લાવવામાં આવ્યો હતો. જાતિનું પ્રમાણપત્ર કેવી રીતે મળશે અને તેનો આધાર શું હશે તે સમજાવવામાં આવ્યું હતું.

 કયા આધારે 77 મુસ્લિમ જાતિને OBC દરજ્જો આપ્યો?', સુપ્રીમ કોર્ટે આ રાજ્યની સરકારથી માગ્યો જવાબ 2 - image


Google NewsGoogle News