'મફતની યોજનાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી..' ચૂંટણીમાં રેવડી કલ્ચર પર ભડકી સુપ્રીમ કોર્ટ
Supreme Court lashes out Revadi culture in elections : સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટનું માંનવું છે કે, મફતની રેવડી આપવાના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર થયેલા લોકો સંબંધિત કેસની સુનાવણી દરમિયાન કોર્ટ આ આકરી ટિપ્પણી કરી હતી. હાલમાં, આ મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે.
લોકો કામ કરવા તૈયાર નથી!
જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે ઘરના અધિકાર સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. તે દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે, ' આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે અને કોઈ કામ કર્યા વિના પૈસા પણ મળી રહ્યા છે.'
આ પણ વાંચો : અમેરિકાના પ્રવાસ પૂર્વે PM મોદીના વિમાન પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને આવ્યો કૉલ
તેઓ પણ સમાજની મુખ્યધારામાં જોડાય
ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે, 'અમે તેમના પ્રત્યેની તમારી ચિંતાને સમજીએ છીએ, પરંતુ શું એ વધુ સારું નહીં રહે કે તેઓ પણ સમાજની મુખ્યધારામાં જોડાય અને તેમને પણ દેશના વિકાસમાં યોગદાન આપવાની તક મળે?' એટર્ની જનરલ આર. વેંકટરમણીએ બેન્ચને જણાવ્યું હતું કે, 'કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બેઘર થયેલા લોકોને આશ્રય આપવાની વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓનું સમાધાન કરવામાં આવશે.' ખંડપીઠે એટર્ની જનરલને કેન્દ્ર સરકાર પાસે શહેરી ગરીબી નાબૂદી મિશનને લાગુ કરવામાં કેટલો સમય લાગશે તેનો જવાબ માંગવાનો નિર્દેશ આપ્યો છે.