તમારી હિમ્મત કેવી રીતે થઈ, આદેશ છતા પણ જાહેરાત આપવી યોગ્ય નથી', પતંજલિ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
- ખંડપીઠે પતંજલિ પર ભવિષ્યમાં આવી જાહેરાતો અને નિવેદનો પર ભારે દંડ ફટકારવાની ચેતવણી આપી
નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર
સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદ સામે કડક વલણ અપનાવ્યું છે. મંગળવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે આદેશ છતાં પણ જાહેરાતો આપવી એ બિલકુલ યોગ્ય નથી. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા ખુદ અખબાર લઈને કોર્ટમાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે તમારામાં કોર્ટના આદેશ બાદ પણ આ જાહેરાત આપવાની હિંમત કેવી રીતે થઈ? હવે અમે એક ખૂબ જ કડક આદેશ આપવા જઈ રહ્યા છીએ. અમારે આ એટલા માટે કરવું પડી રહ્યું છે કારણ કે, તમે કોર્ટને ઉશ્કેરી રહ્યા છો. કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું કે તમે કેવી રીતે કહી શકો કે તમે બીમારી દૂર કરી દેશો? અમારી ચેતવણીઓ છતાં તમે કહો છો કે અમારી પ્રોડક્ટ્સ કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે?
કોર્ટ અગાઉ પણ વાંધો ઉઠાવી ચૂકી છે
કોર્ટે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે પણ આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. 29 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની જાહેરાતો અને તેના માલિક બાબા રામદેવના નિવેદનો પર વાંધો ઉઠાવતી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સખ્તી દર્શાવી હતી. બાબા રામદેવના નિવેદનો અને જાહેરાતોમાં એલોપેથી અને તેની દવાઓ અને રસીકરણની જાહેરાતો વિરુદ્ધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે પતંજલિ દ્વારા એલોપથી અંગે ભ્રામક દાવાઓ અને જાહેરાતો આપવા બદલ પતંજલિને ફટકાર લગાવી હતી.
ખંડપીઠે આપી ચેતવણી
ખંડપીઠે પતંજલિ પર ભવિષ્યમાં આવી જાહેરાતો અને નિવેદનો પર ભારે દંડ ફટકારવાની ચેતવણી આપી છે. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે જો ભવિષ્યમાં આવું કરવામાં આવશે તો પ્રત્યેક ઉત્પાદન જાહેરાત પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કોર્ટે પતંજલિને એલોપેથિક દવાઓ અને રસીકરણો વિરુદ્ધ કોઈપણ ભ્રામક જાહેરાતો અથવા ખોટા દાવા ન કરવા જણાવ્યું છે. કોર્ટે ચેતવણી આપી છે કે ન તો આવી કોઈ જાહેરાત આપવી કે, નહીં તો મીડિયામાં કોઈ નિવેદન આપવામાં આવે.
કોર્ટે કેન્દ્રને કહી આ વાત
કોર્ટે કહ્યું કે, અમે આ મામલાને એલોપેથી વિરુદ્ધ આયુર્વેદની ચર્ચા બનાવવા નથી માંગતા. પરંતુ અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો ઉકેલ શોધવા માંગીએ છીએ. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરતી મેડિકલ જાહેરાતોનો સામનો કરવા માટે એક યોજના કોર્ટ સમક્ષ મૂકે.