હિન્દુ એક્ટ હેઠળ મુસ્લિમ મહિલાએ સંપત્તિમાં હિસ્સો માગ્યો..' CJIએ કહ્યું અમે આ મામલે વિચારીશું
Image Source: Twitter
Supreme Court Hearing: સુપ્રીમ કોર્ટમાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. આ મામલો ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ આવ્યો છે. કેરળની એક એવી મહિલાએ અરજી દાખલ કરી છે જેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો છે પરંતુ તેની આસ્થા ઈસ્લામમાં નથી. આ મહિલાએ સંપત્તિમાં હિસ્સો માગ્યો છે પરંતુ તેણે આ હિસ્સો તેણે શરિયા પ્રમાણે નહીં પરંતુ ઈન્ડિયન સક્સેશન એક્ટ હેઠળ માગ્યો છે. મહિલાએ 29 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર હવે કોર્ટે કહ્યું છે કે, અમે આ મામલે વિચારીશું.
મહિલાએ જણાવ્યું કે, તેમના પૂર્વજોએ ઈસ્લામ કબૂલ કર્યો હતો. જો તે હિસાબે જોઈએ તો તે મુસ્લિમ પરિવારમાં જન્મી છે. પરંતુ તેમના પિતાની પેઢીથી જ પરિવાર ઈસ્લામ ધર્મમાં આસ્થા નથી રાખતો. મહિલાની અરજી પર CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જેબી પારડીવાલાએ સુનાવણી કરી હતી. ખંડપીઠે મહિલાના વકીલોની દલીલો પણ સાંભળી અને તેના પર વિચાર કર્યો. ત્યારબાદ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરમનને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા. એમિકસ ક્યૂરીને કોર્ટે કાયદાકીય અને ટેકનિકલ પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરવા કહ્યું છે.
મહિલા અરજદાર એક સંઘ સાથે જોડાયેલા છે
મહિલાનું નામ સફિયા છે. મહિલા એક એવા સંઘના મહાસચિવ છે જે કેરળમાં ભૂતપૂર્વ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગઠન એવા લોકો માટે છે જેઓ મુસ્લિમ પરિવારમાં જન્મ્યા છે પરંતુ ઈસ્લામમાં આસ્થા નથી રાખતા. સફિયા વતી દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ બંધારણની કલમ 25 હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરવા માંગે છે. આ કલમ ધર્મના મૌલિક અધિકારનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપે છે.
હિન્દુ એક્ટ હેઠળ મુસ્લિમ મહિલાએ સંપત્તિમાં હિસ્સો માગ્યો
મહિલાએ કહ્યું કે, આ કલમ હેઠળ ધર્મમાં વિશ્વાસ રાખવાની કે ન રાખવાની સ્વતંત્રતા છે. પિતા પણ ઈસ્લામમાં આસ્થા નહોતા રાખતા. તેઓ પણ શરિયત મુજબ મિલકતની વહેંચણી નહોતા ઈચ્છતા. પરંતુ મુસ્લિમ પર્સનલ લો મુજબ મુસ્લિમ પરિવારમાં જન્મેલી વ્યક્તિને જ પૈતૃક સંપત્તિમાં ભાગ લેવાનો અધિકાર છે. બિનસાંપ્રદાયિક કાયદાનો લાભ મેળવી શકતા નથી. જ્યારે સફિયા ઈચ્છે છે કે, તેને ઈન્ડિયન સક્સેશન એક્ટ હેઠળ પ્રોપર્ટીમાં હક મળવો જોઈએ.
મહિલાએ જણાવ્યું કે તેનો ભાઈ માનસિક બિમારી ડાઉન સિન્ડ્રોમનો શિકાર છે. તેમની એક પુત્રી છે. મુસ્લિમ પર્સનલ લો મુજબ તેને એક તૃતીયાંશ અને તેના ભાઈને બે તૃતીયાંશ હિસ્સો મળશે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ આ કેવી રીતે જાહેર કરી શકે? અધિકાર આસ્તિક કે નાસ્તિક હોવાથી નથી મળતો. અધિકાર તો જ્યાં જન્મ થયો છે તે પ્રમાણે જ મળે છે. તેથી તમારા પર મુસ્લિમ પર્સનલ લો લાગુ થશે. કેસની આગામી સુનાવણી ઉનાળાની રજા બાદ એટલે કે જુલાઈના બીજા સપ્તાહમાં થશે.