નોટબંધીથી બ્લેકમની સફેદ થઈ: SCના જસ્ટિસ નાગરત્નાનું નિવેદન, રાજ્યપાલોની ભૂમિકાને લઈને પણ ઉઠાવ્યો સવાલ
Demonetisation: કાળું નાણું સફેદ કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્નાએ નોટબંધી પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'જો 98 ટકા પૈસા સિસ્ટમમાં પાછા આવી ગયા તો નોટબંધીનો શું ફાયદો. આનાથી કાળું નાણું કેવી રીતે ઘટ્યું? મને લાગે છે કે આ નિર્ણયથી કાળા નાણાને સફેદ કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.'
કેવી રીતે નોટબંધીથી કાળું નાણું દૂર થયું?
એક કાર્યક્રમમાં જસ્ટિસ બી.વી. નાગરત્નાએ કહ્યું કે, નોટબંધી પછી સિસ્ટમમાં લગભગ 98 ટકા ચલણ કોઈને કોઈ રીતે ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે પાછું આવ્યું. આવી સ્થિતિમાં નોટબંધીથી કેવી રીતે સફળ ગણી શકાય? આ નિર્ણયથી આપણે કાળું નાણું કેવી રીતે ખતમ કરી શકીએ? આ પછી આવકવેરા વિભાગે શું પગલાં લીધાં તેની કોઈ માહિતી અમારી પાસે નથી. અમે ફક્ત લોકોને લાઈનોમાં ઊભા રહેતાં જોયા છે. આનાથી અમને ઝટકો લાગ્યો અને અમને તેનો વિરોધ કરવા પ્રેરિત કર્યા.'
રાજ્યપાલો વિશે પણ મોટી વાત કહી
અહેવાલો અનુસાર, જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પોતાના સંબોધનમાં પંજાબના ગવર્નર સાથે જોડાયેલા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર રાજ્યપાલ લાંબા સમય સુધી નિર્ણય લેતા નથી. તેમણે કહ્યું કે, રાજ્યપાલના કાર્યાલયનો બંધારણીય સ્વભાવ હોય છે, જેને સમજવું જરૂરી છે.' તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા કેસને રાજ્યપાલની અતિરેકનું બીજું ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, 'રાજ્યપાલ પાસે ફ્લોર ટેસ્ટની જાહેરાત કરવા માટે પૂરતું આધાર નથી.'
નોટબંધી પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે બીજી જાન્યુઆરી 2023માં નોટબંધી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. બંધારણીય બેન્ચે 4-1ની બહુમતીથી આ નિર્ણય આપ્યો હતો. જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, બી.આર. ગવઈ, એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રમણ્યમની બેન્ચ માનતી હતી કે, નોટબંધીની પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા નથી. જ્યારે જસ્ટિસ બી.વી. નાગરત્નાએ આ લોકોથી અલગ અભિપ્રાય આપ્યો હતો અને નોટબંધીના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો.
500 અને 1000 રૂપિયાની નોટો બંધ
ઉલ્લેખનીય છે કે, આઠમી નવેમ્બર 2016માં રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં નોટબંધીની જાહેરાત કરી હતી. આ પછી 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ. તેના બદલામાં 500 રૂપિયાની નવી નોટો આપવામાં આવી હતી. જ્યારે 1000 રૂપિયાની નોટ બંધ કરીને તેની જગ્યાએ 2000 રૂપિયાની નોટ આવી. નોટબંધીની જાહેરાત કરતી વખતે, સરકારે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંને કાબૂમાં લેવાનો, નકલી નોટોને રોકવા અને આતંકવાદી ભંડોળને રોકવાનો છે. નોટબંધી પછી તરત જ, દેશ એટીએમની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી.