Get The App

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, LMV લાઈસન્સથી 7500 કિલો સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકાશે

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, LMV લાઈસન્સથી 7500 કિલો સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકાશે 1 - image


Supreme Court: સુપ્રીમ કોર્ટે કોમર્શિયલ ડ્રાઈવરોને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમે લાઈટ મોટર વ્હિકલ (એલએમવી) ડ્રાઈવિંગ લાઇસન્સ ધારકોને 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવવાની છૂટ આપી દીધી છે. આ ચુકાદાને પગલે હવેથી વીમા કંપનીઓ ક્લેઇમને લાઈસન્સના પ્રકારના આધારે નકારી નહીં શકે અને લોકોને પણ અલગથી લાઇસન્સ કઢાવવાની પ્રશાસનની મંજૂરી મેળવવાની મુશ્કેલીમાંથી રાહત મળશે.

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમની બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે એલએમવી અને ટ્રાન્સપોર્ટ વાહનો બન્ને સંપૂર્ણ રીતે અલગ નથી. બંને વચ્ચે અંશતઃ સમાનતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ સરકારી નોકરી અંગે સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમ બદલી ન શકાય

જેને પગલે 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનોને એલએમવી લાઇસન્સ ધારકો પણ ચલાવી શકશે. જોકે સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, જે વાહનોમાં અતી તીવ્રતાવાળા જોખમકારક પદાર્થોને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હોય તેના માટે વિશેષ લાયકાતની જે જરૂરિયાત હોય છે તેને હટાવવામાં નહીં આવે.

જોખમકારક માલ સામાનની હેરફેર કરતા વાહનોને લાગુ નહીં પડે

એટલે કે સુપ્રીમનો ચુકાદો જોખમકારક માલ સામાનની હેરફેર કરતા વાહનોને લાગુ નહીં પડે. તેના માટે અગાઉના નિયમો લાગુ રહેશે. બેન્ચે આ સાથે જ રોડ અકસ્માતોની પણ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, રોડ સુરક્ષા વૈશ્વિક સ્તરે અત્યંત ગંભીર મામલો છે. ભારતમાં રોડ અકસ્માતમાં 1.7 લાખથી વધુ લોકોનો મોત થયાં છે. આ અકસ્માત પાછળનું કારણ બેફામ રીતે વાહન ચલાવવુ, વધુ પડતી સ્પીડમાં વાહન ચલાવવા, રોડની ડિઝાઇન અને ટ્રાફિક કાયદાઓનો યોગ્ય રીતે અમલ ના થવો મુખ્ય કારણો છે. 

આ પણ વાંચોઃ 'પરાળી બાળનાર ખેડૂતને 30,000 સુધીનો દંડ થશે..' સુપ્રીમની કડકાઈ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો કે હેલમેટ ન પહેરવું વગેરેને કારણે પણ અકસ્માતો થાય છે. આ તમામ કારણોમાં ક્યાંય પણ એ સાબિત નથી થતું કે એલએમવી લાઇસન્સ ધારકો ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવે તો તેને કારણે અકસ્માતો થાય છે.


Google NewsGoogle News