Get The App

જેલોમાં બંધ કેદીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ફાંસીની સજા અંગે જાહેર કર્યા નવા નિર્દેશ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
જેલોમાં બંધ કેદીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ફાંસીની સજા અંગે જાહેર કર્યા નવા નિર્દેશ 1 - image


Death Penalty Case : આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2007ના પૂણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા અંગે મહત્ત્વના નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું છે કે, ‘જે કેદીઓને ફાંસીની સજા અપાઈ છે, તેમનો કાયદાકીય વિકલ્પ સમાપ્ત થઈ જાય અથવા તેમના દ્વારા વિકલ્પોનો ઉપયોગ ન કરવામાં આવે તો સરકાર અથવા સેશન્સ કોર્ટે ફાંસી આપવામાં વિલંબ ન કરવો જોઈએ. સરકાર અથવા કોર્ટ દ્વારા વિલંબ કરવામાં આવે તો ફાંસીની સજામાં આજીવન કેદનો આધાર બની શકે છે. વહીવટી ઘટના કારણે દોષિત કેદી ફાંસીની ડર સાથે જીવે, તે યોગ્ય નથી.’

સુપ્રીમ કોર્ટે પુણે રેપ-મર્ડર કેસમાં આજીવન કેદનો નિર્ણયને યથાવત્ રાખ્યો

પૂણેમાં વર્ષ 2007માં બીપીઓ કર્મચારી દ્વારા એક મહિલા પર દુષ્કર્મ આચરાયા બાદ હત્યા કરાઈ હતી, જેમાં બોમ્બે હાઇકોર્ટે બે દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત્ રાખવાની સાથે નવા નિર્દેશો જાહેર કર્યા છે. વર્ષ 2019માં બોમ્બે હાઈકોર્ટે આરોપી પુરુષોત્તમ બોરાટે અને પ્રદીપ કોકડેની દયા અરજીના નિકાલમાં બે વર્ષનો સમય લાગ્યો હોવાના કારણે તેમની ફાંસી સજા માફ કરી દીધી હતી. કોર્ટે ફાંસીની સજાના બદલે 35 વર્ષ જેલમાં રહેવાની સજા જાહેર કરી હતી.

આ પણ વાંચો : 'દેશ બહુમતીની ઇચ્છાથી ચાલશે...', વિવાદિત નિવેદન આપનારા જજ સામે સુપ્રીમ કોર્ટ એક્શનમાં

શું હતી ઘટના ?

બીપીઓના કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કેબ ડ્રાઇવર બોરાટે અને કોકડેએ 2007માં કેબમાં બેઠેલી 22 વર્ષની મહિલા કર્મચારી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. આ મહિલા ઑફિસ જવા માટે નીકળી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે અને હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ બંનેને ફાંસીની સજા આપી હતી, પરંતુ બંનેની દયા અરજી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે બે વર્ષથી પેન્ડિંગ હતી. ત્યારબાદ હાઇકોર્ટે પેન્ડિંગ મામલાને આધાર બનાવી તેઓની ફાંસી અટકાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર શું નિર્દેશ આપ્યા ?

હવે મહારાષ્ટ્ર સરકારની અપીલને ફગાવીને ન્યાયાધીશ અભય ઓકા, અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની સુપ્રીમ કોર્ટની બેન્ચે ભવિષ્ય માટે અનેક નિર્દેશો જારી કર્યા છે. કોર્ટે કહ્યું છે કે, પુષ્ટિ બાદ ફાંસી આપવામાં વિલંબ કરવો અયોગ્ય છે. મોતના ડર સાથે કેદીને જીવતો રાખવો એ જીવનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. જો આવું થાય તો ગુનેગાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ જોશે કે શું ખરેખર મોડું થઈ ગયું છે? જો હા, તો કયા સંજોગોમાં આ બન્યું? દયાની અરજી રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ પાસે લાંબા સમયથી પેન્ડિંગ રાખવી યોગ્ય નથી. દરેક રાજ્યના ગૃહ વિભાગ અથવા જેલ વિભાગે કેદીઓની દયા અરજીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સેલ બનાવવો જોઈએ. હાઇકોર્ટમાંથી ફાંસીની પુષ્ટિ થયા બાદ સેશન્સ કોર્ટ કેસની આગળની કાર્યવાહી માટે લિસ્ટ કરે. તેઓ સરકારમાંથી માહિતી મેળવે કે, શું દોષિતે આગળ અપીલ કરી છે. જો ન કરી હોય તો ફાંસીની તારીખ નક્કી કરે. આવી જ રીતે સુપ્રીમ કોર્ટ સજા યથાવત્ રાખે અથવા દયાની અરજી ફગાવી દે, ત્યારબાદ જ સેશન્સ કોર્ટે શક્ય તેટલી વહેલી તકે આગળની કાર્યવાહી કરવી જોઈએ. ડેથ વોરંટ જારી કરતાં પહેલા કેદીને નોટિસ આપવી જોઈએ. ડેથ વોરંટ મેળવનાર કેદી અને ફાંસીની તારીખ વચ્ચે ઓછામાં ઓછું 15 દિવસનું અંતર હોવું જોઈએ. જો કેદી માંગ કરે તો તેને મફત કાનૂની સહાય પૂરી પાડવી જોઈએ.

આ પણ વાંચો : ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર: 14 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે ખેડૂતો, પંઢેરનું એલાન


Google NewsGoogle News