Get The App

સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતમાં બૌદ્ધિક રીતે અક્ષમ બનેલી મહિલાનું વળતર 11 લાખથી 50 લાખ કર્યું

Updated: Dec 12th, 2024


Google News
Google News
સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતમાં બૌદ્ધિક રીતે અક્ષમ બનેલી મહિલાનું વળતર 11 લાખથી 50 લાખ કર્યું 1 - image


Supreme Court News | લગ્ન અથવા સાથે રહેવું વ્યકિતના જીવનનો અભિન્ન હિસ્સો છે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. કોર્ટે માર્ગ અકસ્માતને કારણે 75 ટકા બૌદ્ધિક અક્ષમ બની ગયેલ મહિલાને મળનારી વળતરની રકમ વધારી 50.87 લાખ રૂપિયા કરી છે. 

ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ કે વી વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે મહિલા એ સમયે સાત વર્ષની બાળકી હતી જ્યારે 2009માં માર્ગ અકસ્માત થયો હતો. મેડિકલ પ્રમાણપત્ર અનુસાર તે મધ્યમ સ્તરની બૌદ્ધિક અક્ષમતાથી પીડિત છે. 

કોર્ટે જણાવ્યું હતું કે મહિલાએ પોતાના બાળપણની સાથે પુખ્ત વય પણ ગુમાવી છે. લગ્ન અને સાથે રહેવું એક વ્યકિતના પ્રાકૃતિક જીવનનો અભિન્ન ભાગ છે.

 મહિલા બાળકને જન્મ આપી શકે છે પણ તેના માટે લગ્ન જીવનના સામાન્ય સુખોનું અનુભવ કરવું લગભગ અશક્ય છે. તેથી કોર્ટે મહિલાનું વળતર વધારીને 50.87 લાખ રૂપિયા કર્યુ છે. 

મહિલાએ દિલ્હી હાઇકોર્ટના નવેમ્બર 2017ના એ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી જેમાં હાઇકોર્ટે 11.51 લાખ રૂપિયાનું વળતર ચુકવવાના નિર્દેશ આપ્યા હતાં. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મહિલા સમગ્ર જીવન કોઇને કોઇ પર નિર્ભર રહેશે. ઉંમર વધવા છતાં પણ તેની માનસિક સ્થિતિ બીજા ધોરણમાં ભણતી બાળકી જેવી જ રહેશે. 

જૂન, 2009માં મહિલા પોતાના પરિવારની સાથે રસ્તા પર ચાલી રહી હતી ત્યારે ઝડપથી ચાલતી કારે તેને ટક્કર મારી હતી. મોટર વેહિકલ એક્ટ, 1988 હેઠળ વળતર મેળવવાની અરજી કરવામાં આવી હતી.

મોટર એક્સિડેન્ટ કલેઇમ્સ ટ્રિબ્યુનલે 5.90 લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. જો કે વળતરની રકમ વધારવા માટે અરજકર્તાએ આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

Tags :
Supreme-CourtIncreases-accident-victim-compensationFrom-Rs-11-lakh-to-Rs-50-lakh

Google News
Google News