કેજરીવાલ જેલમાં જ રહેશે કે મળશે રાહત? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, અભિષેક મનુ સિંઘવીએ મૂકી દલીલો
Arvind Kejriwal News | દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલની પહેલા ઈડીએ પછી સીબીઆઈએ ધરપકડ કરી હતી. ઈડીના કેસમાં કેજરીવાલને જામીન મળી ગયા હતા પરંતુ સીબીઆઈની કસ્ટડીને કારણે તેમણે જેલમાં જ રહેવું પડ્યું હતું. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે થોડીવારમાં ચુકાદો આવી શકે છે.
અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલ વતી દલીલો કરી
સુપ્રીમકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન કેજરીવાલ વતી દિગ્ગજ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા અને તેમણે દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ સમાજ માટે કોઈ ખતરો નથી એટલા માટે જ તેમને જામીન આપી દેવા જોઈએ. અમારા અસીલ વિરુદ્ધ કોઈ પૂરાવા નથી. ફક્ત નિવેદનોના આધારે જ તેમને જેલમાં રખાયા છે. તે દિલ્હીના સીએમ છે.
મનીષ સિસોદિયા અને કે.કવિતાને જામીન મળતાં આશા વધી હતી
ઉલ્લેખનીય છે કે દિલ્હી લીકર પોલિસી કેસમાં જ ફસાયેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આપના કદાવર નેતા મનીષ સિસોદિયાને આ કેસમાં જામીન મળી ગયા હતા. જ્યારે બીજી બાજુ તેલંગાણાના પૂર્વ સીએમની દીકરી કે.કવિતાને પણ 10 લાખના બોન્ડ પર જામીન મળી જતાં કેજરીવાલને જામીન મળશે તેવી આશા વધી ગઇ હતી.