પન્નુની હત્યા કેસઃ આરોપી નિખિલ ગુપ્તાની અરજીની સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર, જાણો કારણ
પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિકની જેલમાં બંધ
અરજીમાં નિખિલના પરિવારે આશંકા વ્યક્ત કરી અમેરિકા સામે કર્યા ગંભીર આક્ષેપ
Gurupatwant Singh Pannun Attempted Murder Case : અમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા (Nikhil Gupta) ચેક રિપબ્લિક (Czech Republic)ની જેલમાં બંધ છે. હવે આ મામલે નિખિલના પરિવારે ભારતની સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અરજી કરતા કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારે નિખિલને અમેરિકા (America) દ્વારા પ્રત્યાર્પણ કરવાની આશંકા વ્યક્ત કરી મદદ માંગી હતી.
આ સંવેદનશીલ મામલો, અમે નહીં સરકાર યોગ્ય નિર્ણય લેશે : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સંવેદનશીલ મામલામાં સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે, કોર્ટ તેમાં દખલ ન કરી શકે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, વિદેશી અદાલતોના અધિકાર ક્ષેત્રનું સન્માન કરવું પણ જરૂરી છે. કોર્ટે કહ્યું કે, ‘આ એક સંવેદનશીલ મામલો છે અને ભારત સરકાર નિર્ણય કરશે કે, આ મામલમાં કેવી રીતે આગળ વધવાનું છે. અમે જાહેર આંતરરાષ્ટ્રીય કાયદો અને અદાલતોના સહયોગને ધ્યાને રાખી આ મામલે દખલ ન કરી શકીએ.’
અમેરિકાએ નિખિલના પ્રત્યાર્પણની માંગ કરી હતી
પન્નુની હત્યાના ષડયંત્રના કેસમાં નિખિલ ગુપ્તા હાલ ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે. અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માંગ કરી છે. પરિવારને ડર છે કે, અમેરિકામાંથી નિખિલને મુક્ત કરવાવો ખુબ જ મુશ્કેલ છે.
અમેરિકાના નિખિલ પર આક્ષેપ, ભારતે પણ કરી કાર્યવાહી
દિલ્હીના બિઝનેસમેન નિખિલ ગુપ્તાની 2023માં ચેક રિપબ્લિકમાં ધરપકડ કરાઈ હતી. અમેરિકાએ તેના પર આક્ષેપ કર્યો છે કે, તેણે અમેરિકાની ધરતી પર પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યું છે. તે એક સરકારી એજન્ટ સાથે કામ કરી રહ્યો છે અને પન્નૂની હત્યા કરવા એક હિટમેનને કામ પર રાખ્યો હતો, જે ખરેખર અંડરકવર પોલીસ અધિકારી હતો. આ મામલે ભારતે પણ અમેરિકાના આક્ષેપોની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
નિખિલના પરિવારે અરજીમાં શું કહ્યું ?
નિખિલ ગુપ્તાના પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા. પરિવારનું કહેવું છે કે, નિખિલને જેલમાં માંસ અને સૂવર ખાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે. અરજીમાં કહેવાયું છે કે, નિખિલની ધરપકડમાં શરૂઆતથી જ ગોટાળા છે. વૉરંટ દેખાડ્યા વગર ધરપકડ કરાઈ છે. સ્થાનિક ચેક રિપબ્લિકન અધિકારીઓના બદલે અમેરિકી એજન્ટો દ્વારા તેની ધરપકડ કરાઈ છે.