Get The App

સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના કેસમાં ભરણપોષણ નક્કી કરવા 8 મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરી

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
Supreme Court


Supreme Court On Divorce Case: મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગ્લુરુમાં નોકરી કરતાં 34 વર્ષના એઆઇ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. પોતાની વિતક કથા જણાવવા માટે તેણે 40 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી અને એક લાંબો વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસરિયા દ્વારા દહેજના ખોટા આરોપ લગાવીને તેને પજવવામાં આવ્યો હોવાનું વિગતવાર જણાવ્યું હતું અને ન્યાયની માંગ કરી હતી. આખો દેશ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છે અને લગ્નસંસ્થામાં પત્ની દ્વારા થતી પતિની પજવણી બાબતે ચર્ચા શરુ થઈ ગઈ છે. ત્યારે આ સંદર્ભમાં તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. 

શું પગલું ભર્યું સુપ્રીમ કોર્ટે?

અતુલ સુભાષની પત્નીએ તેના પર ખોટા કેસ કરીને ભરણપોષણની માંગ કરી હતી, જેને લીધે દેશમાં મહિલાઓ દ્વારા કાયદાના દુરુપયોગ થવા બાબતે આક્રોશ ફેલાઈ ગયો છે. આ સંદર્ભમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ પ્રસન્ના વી વરાલેની બેન્ચે છૂટાછેડાના કેસમાં ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવા માટે આઠ મુદ્દા રજૂ કર્યા છે, જે નીચે મુજબ છે.

1) બંને પક્ષની સામાજિક અને નાણાકીય સ્થિતિ

છૂટાછેડાના કેસ દરમિયાન પતિ અને પત્ની બંનેની સામાજિક સ્થિતિ શું છે, તેમની પાસે કેટલી બચત છે, જેવા પાસાં ધ્યાનમાં રાખવા જોઈએ. જેથી કયો પક્ષ, કેટલો ખમતીધર છે એ જાણી શકાય અને ભરણપોષણના ચુકાદાને લીધે કોઈ એક પક્ષે હદપાર ખેંચાવું ન પડે.

2) બંને પક્ષની લાયકાત અને રોજગાર

પતિ અને પત્ની શું ભણ્યા છે, આવક રળી આપે એવી કોઈ કામગીરી કરે છે કે કેમ, એ પણ ધ્યાનમાં રાખવું રહ્યું. એને આધારે જ ભરણપોષણનું આંકલન કરવું.

3) પત્ની અને બાળકોની વાજબી જરૂરિયાતો

કેટલા બાળકો છે, કેટલી વયના છે, તેમની શું જરૂરિયાતો છે, તેમની જવાબદારી પતિ લેશે કે પત્ની, તેમના અભ્યાસનો અને ખાધાખોરાકીનો ખર્ચ કેટલો બેસે છે, વગેરે બાબતો ધ્યાનમાં રાખવી. એ જ રીતે પત્નીની જરૂરિયાતો અને ખાધાખોરાકીનો પણ ખ્યાલ રાખવો.

આ પણ વાંચોઃ ભાજપ સાથે દરેક મુદ્દે 'ભાવ-તાલ'થી કંટાળ્યા શિંદે, સરકારમાં 'યોગ્ય' ભાગીદારી ન મળતાં ખફા! 

4) અરજદારની આવક અને સંપત્તિના સ્ત્રોત

છૂટાછેડા માટે અરજ કરનાર સ્ત્રીની વાર્ષિક આવક કેટલી છે, આવક નિયમિત છે કે કેમ, આવકના સ્ત્રોત શું છે, કોઈ નોકરી કે વ્યવસાય છે કે નથી, પત્ની પાસે કોઈ સંપત્તિ છે કે કેમ, વગેરે બાબતોનો આ મુદ્દામાં સમાવેશ થાય છે. 

5) પિયરમાં પત્નીનું જીવનધોરણ

પતિથી અલગ રહેતી પત્ની પોતાના પિયરમાં રહે છે કે અલગ, તે જ્યાં રહે છે ત્યાં એનું જીવનધોરણ કેવું છે, એની સગવડો, અભાવો અને તકલીફો શું છે, વગેરે બાબતો ગણતરીમાં લેવી. 

6) પરિવારની દેખરેખ માટે પત્નીએ નોકરી છોડી દીધી છે?

સાસરા પક્ષની જવાબદારીઓ નિભાવવા માટે પત્નીએ એની નોકરી કે વ્યવસાયનું બલિદાન આપ્યું હતું ? જો હા, તો એમાંથી એને કેટલી આવક થતી હતી. આ બંને મુદ્દા પણ ધ્યાનમાં લેવા.

7) કામ ન કરતી પત્ની માટે વાજબી મુકદમા ખર્ચ

અરજદાર સ્ત્રી નોકરી કે વ્યવસાય ન કરતી હોય અને એ છૂટાછેડા મેળવવા માટે કાનૂની લડાઈ લડી રહી છે તો એના માટેનો વાજબી મુકદમા ખર્ચ પણ પતિએ જ આપવાનો થાય છે. 

8) પતિની આર્થિક સ્થિતિ

પતિ પાસે કેટલી મિલકત છે, એની આવક શી છે, પત્નીને ભરણપોષણ આપ્યા પછી તેની પાસે શું બચશે, તેની અંગત અને અન્ય પારિવારિક જવાબદારીઓ શું છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખીને ભરણપોષણની રકમ નક્કી કરવાની રહેશે.   

નિયમાવલી નથી માર્ગદર્શિકા છે

ઉપરોક્ત મુદ્દાઓ રજૂ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રસ્તુત મુદ્દાઓ નિયમાવલી નથી, એને નિયમ સમજીને એનો કડકપણે અમલ કરવાની કોઈને ફરજ પાડી શકાશે નહીં. પ્રાસ્તાવિક મુદ્દાઓને માર્ગદર્શિકા તરીકે લેવા. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, છૂટાછેડાના કેસમાં ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે પતિને દંડ દેવાનો છે, એવો હેતુ ન રાખીને મનસ્વી નિર્ણય ન લેવો, બલ્કે પત્નીને યોગ્ય જીવનધોરણ મળી રહે, એ હિસાબે રકમ નક્કી કરવી. છૂટાછેડાના કેસ સંદર્ભે કોર્ટે સ્વીકાર કર્યો હતો કે, વૈવાહિક ક્રૂરતા સામેના કાયદાઓનો મહિલાઓ દ્વારા વધુને વધુ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે ટકોર કરી હતી કે કાનૂની જોગવાઈઓનો ઉપયોગ વ્યક્તિગત બદલો લેવા માટે ન થવો જોઈએ.



Google NewsGoogle News