નારિયેળ તેલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, સામાન્ય લોકોને થશે ફાયદો, જાણો મામલો
Supreme Court Gave a big Decision on Coconut Oil : નારિયેળ તેલના ભાવમાં સતત વધારો થતો અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આર મહાદેવનની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપતાં કહ્યું કે, 'નારિયેળ તેલને નાના પેકેટમાં ખાદ્ય તેલ તરીકે વર્ગીકૃત કરી શકાશે.’ આ નિર્ણય પરથી સ્પષ્ટ થશે છે કે, વાળમાં નાખવાના તેલ તરીકે તેના પર 18% ટેક્સ લાગે છે, પરંતુ તેને ખાદ્ય તેલ તરીકે વેચાણ કરવામાં આવે, તો તેના પર 5% જ ટેક્સ લાગશે, જેથી 13 ટકા ટેક્સ બચશે. સ્વાભાવિક છે કે, કંપનીઓને આ નિર્ણયથી ફાયદો થયો છે, જે લોકો તેનો હેર ઓઇલ તરીકે ઉપયોગ કરે છે, તેમને પણ ફાયદો થશે.
15 વર્ષ લાગ્યા આ કેસમાં
સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય કરવામાં 15 વર્ષનો સમય લીધો હતો. વર્ષ 2009 માં CESTAT એ ઉદ્યોગના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેને ટેક્સ ઓછો કરીને ખાદ્ય તેલ તરીકે વર્ગીકૃત કર્યું. 2018માં સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે આ મુદ્દે વિભાજિત ચુકાદો આપ્યો હતો. CJI સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની ત્રણ જજની બેન્ચ સમક્ષ આ મુદ્દો આવ્યો હતો. કોર્ટે 17 ઑક્ટોબરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
અન્ય તેલ પર પણ અસર પડી શકે છે
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની અસર અન્ય તેલની નાની બોટલોની કિંમતો પર પણ પડી શકે છે. કારણ કે ઓલિવ તેલ, તલનું તેલ અને મગફળીના તેલનો ઉપયોગ પણ રસોઈ બનાવવામાં તેમજ વાળમાં નાખવામાં માટે કરવામાં આવે છે.
આ પણ વાંચો : વન નેશનલ વન ઈલેક્શન માટેની જેપીસીમાં પ્રિયંકા ગાંધી સહિત આ દિગ્ગજ નેતાઓના નામ સામેલ
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એક્સાઇઝ કમિશ્નરની એ અરજી ફગાવી દીધી
આ સાથે સુપ્રીમ કોર્ટ સમક્ષ મુદ્દો એવો હતો કે, શું નાના પેકેજ એટલે કે 2 કિલોથી ઓછા વજનમાં વેચાતા નારિયેળ હેર ઓઇલને 1513 મથાળા હેઠળ 'ખાદ્ય તેલ' ગણવું જોઈએ કે 3305ના મથાળા હેઠળ 'હેર ઓઇલ' તરીકે ગણવું? સુપ્રીમ કોર્ટે બુધવારે સેન્ટ્રલ એક્સાઇઝ કમિશ્નરની અરજીને ફગાવી દીધી છે, જેમાં નાના પેકેજમાં નાળિયેર તેલને હેર ઓઇલ તરીકે વર્ગીકૃત કરવા અને 18 ટકા ટેક્સ લાદવાની માંગ કરવામાં આવી હતી.