Get The App

દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા વધતાં સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, ચાર મહિનામાં રિપોર્ટ માંગ્યો

Updated: Mar 24th, 2025


Google News
Google News
દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા વધતાં સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, ચાર મહિનામાં રિપોર્ટ માંગ્યો 1 - image


Supreme Court Forms Task Force On Students Suicides : દેશમાં છેલ્લા ઘણાં સમયથી મોટી શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ અને હૉસ્ટેલમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટના વધી ગઈ છે. ગુજરાતની લૉ યુનિવર્સિટીમાં ગત મહિને રેગિંગના કારણે એક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હતી, ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને આત્મહત્યા અટકાવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. 

વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ટાસ્ક ફોર્સની રચના

સુપ્રીમ કોર્ટે કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ન્યાયાધીશ જે. બી. પારડીવાલાની બેન્ચે કહ્યું કે, છેલ્લા બે મહિનામાં કૉલેજના હોસ્ટેલમાં જાતીય સતામણી, રેગિંગ, ભેદભાવ સહિત અન્ય કારણોસર ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાતની લૉ યુનિવર્સિટી(Gujarat National Law University)માં 19 માર્ચે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી.

જાતીય સતામણી, રેગિંગ, ભણતરના દબાણથી આત્મહત્યા

ખંડપીઠે કહ્યું કે, ‘ગત મહિને આઇઆઇટી પટના(IIT Patna)માં પણ આવી ઘટના બની હતી. વિદ્યાર્થીએ ભણતરના દબાણના કારણે આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત ઓડિશાની એન્જિનિયરિંગ કૉલેજ(Odisha Engineering College)માં એક નેપાળી વિદ્યાર્થીએ જીવ ખોયો હતો. આ ઘટનામાં સાથી વિદ્યાર્થી પર જ જાતીય સતામણી અને બ્લેક મેઇલિંગનો આરોપ લાગ્યો હતો. કેરળ(Kerala)ની એન્જિનિયરિંગ કૉલેજમાં પણ રેગિંગના કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી.

‘આત્મહત્યાની પેટર્ન પર ચર્ચા કરવી જોઈએ’

ખંડપીઠમાં સામેલ ન્યાયાધીશ આર. મહાદેવને કહ્યું કે, આપણે આત્મહત્યાની પેટર્ન પર ચર્ચા કરવી જોઈએ. અમને ચિંતા છે કે, ભેદભાવ, રેગિંગ અને જાતીય સતામણીના કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓના વાલીઓને મળીને આત્મહત્યા અટકાવવાના પ્રયાસો કરવાના દિશાનિર્દેશ નિર્ધારીત કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ટ ફોર્સની આગેવાની નિવૃત્ત ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટ્ટ કરશે. ટાસ્ટ ફોર્સમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સેક્રેટરી, સામાજિક ન્યાય વિભાગના સચિવ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ સામેલ છે.

આ પણ વાંચો : કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો

ટાસ્ક ફોર્સને ચાર મહિનામાં રિપોર્ટ સોંપવા આદેશ

સુપ્રીમ કોર્ટેને ટાસ્ટ ફોર્સને કહ્યું છે કે, તેઓ વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળના કારણો શોધે અને તેને અટકાવવા માટે ઉઠાવાયેલા પગલાનો ચાર મહિનામાં રિપોર્ટ આપે. 2023માં IIT દિલ્હીની હૉસ્ટેલમાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. મૃતકના માતા-પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી આક્ષેપ કર્યો હતો કે, કેમ્પસમાં શોષણના કારણે તેઓએ આ પગલું ભર્યું હતું. આ ઘટનામાં પોલીસે FIR પણ નોંધી ન હતી અને કાયદાકીય તપાસની વાત કહી કેસ બંધ કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે કેસ ન નોંધનાર પોલીસની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મૃતક વિદ્યાર્થીઓના માતા-પિતાએ શોષણનો આક્ષેપ કર્યો હતો, તો પોલીસે FIR નોંધવી જોઈતી હતી. માત્ર તપાસ બાદ કેસને બંધ કરી દેવો પર્યાપ્ત નથી. કોર્ટે કહ્યું કે, આવી રીતે તપાસ કરવાથી માત્ર એટલું જ જાણી શકાય છે કે, મોત કેવી રીતે થઈ, આત્મહત્યા પાછળના કારણો જાણી શકાતા નથી.

આ પણ વાંચો : 'જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી....' કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

Tags :