SC-ST અનામતને લઈને મોટા સમાચાર: 'કોટામાં કોટા'નો વિરોધ કરતી અરજી SCએ ફગાવી
Supreme Court : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ અંગેના બંધારણીય બેંચના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરતી રીવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા અનુસૂચિત જાતિના પેટા-વર્ગીકરણ અંગેના બંધારણીય બેંચના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે દાખલ કરવામાં આવી હતી.
Supreme Court rejects petitions seeking review of the Constitution Bench judgment empowering state to sub-classify Scheduled Castes and Scheduled Tribes (SCs/STs) pic.twitter.com/vBs5R9xeKp
— ANI (@ANI) October 4, 2024
અગાઉ ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી હતી
અગાઉ સુપ્રીમ કોર્ટે વર્તમાનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) માટે અનામતની વ્યવસ્થાને અસર કરતો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી હતી. આ સિવાય કોર્ટે એસસી અને એસટી કેટેગરીમાં પણ ક્રીમી લેયરને લાગુ કરવાની વાત કહી હતી. આજે સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશો વાળી બેન્ચે 1 ઓગસ્ટના નિર્ણય સામે દાખલ કરાયેલી 10 રીવ્યુ પિટિશનઓને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રેકોર્ડમાં કોઈ ભૂલ નથી.
રાજ્યો એસસી અને એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણ કરી શકે
1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની સાત જજોની બેંચે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપતા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં પેટા-વર્ગીકરણની માન્યતા આપવાને લઈને 6-1ની બહુમતીથી નિર્ણય આપ્યો હતો. જેમાં કોર્ટે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં પેટા વર્ગીકરણની મંજૂરી આપી શકાય છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે એસસી-એસટી વર્ગના વધુ જરૂરિયાતમંદોને અનામતનો લાભ આપવા માટે રાજ્યો એસસી, એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણ કરી શકે છે.
20 વર્ષ જૂના ચુકાદાને અમાન્ય ઠેરવ્યો
CJI ડી.વાય ચંદ્રચુડ, બીઆર ગવઈ, વિક્રમ નાથ, બેલા એમ ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્મા ધરાવતી 7 સભ્યોની ખંડપીઠે આ મામલે પેન્ડિંગ લગભગ બે ડઝન અરજીઓ પર આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈવી ચિન્નૈયા (2004) કેસમાં પાંચ જજો દ્વારા આપવામાં આવેલા 20 વર્ષ જૂના ચુકાદાને અમાન્ય ઠેરવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એસસી અને એસટી સમાન જૂથની શ્રેણી છે. અને તેને પેટા-વર્ગીકૃત કરી શકાય નહીં.
અનામતનો લાભ એ જ વર્ગના વધુ જરૂરિયાતમંદ લોકોને મળે
હકીકતમાં મુખ્ય કેસ પંજાબ રાજ્યને લગતો હતો. જેમાં એસસી સમુદાય માટે અનામત બેઠકોમાંથી 50 ટકા બેઠકો વાલ્મિકી અને ધાર્મિક શીખ સમુદાય માટે અનામત કરી દેવાઈ હતી. પંજાબ સરકારે હાઈ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ સામે મુખ્ય મુદ્દો એ હતો કે શું SC અને ST કેટેગરીનું પેટા-વર્ગીકરણ કરી શકાય? જેથી કરીને અનામતનો લાભ એ જ વર્ગના વધુ જરૂરિયાતમંદ લોકોને મળી શકે.
વર્ગીકરણ તર્કસંગત સિદ્ધાંતો પર આધારિત હોવું જોઈએ
સુપ્રીમ કોર્ટે SC/ST કેટેગરીમાં ક્રીમી લેયરને ઓળખવા માટે નીતિ બનાવવા જણાવ્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, પેટા-વર્ગીકૃત જાતિઓને 100 ટકા અનામત આપી શકાય નહીં. વર્ગીકરણ તર્કસંગત સિદ્ધાંતો પર આધારિત હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે અનામત નીતિની સમીક્ષા કરવા અને ઉત્થાનના અન્ય માર્ગ શોધવા પર પણ ભાર મૂક્યો હતો.