મંદિરોમાં વીઆઇપી દર્શન સામેની અરજી સુપ્રીમે ફગાવી
- મંદિરના સંચાલકો જ આ અંગે પગલાં લે
- છતાં દર્શનને લઈને કોઈને પણ વિશેષ છૂટ ન હોવી જોઈએ તેવો સુપ્રીમનો અભિપ્રાય
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને સંજય કુમારની બેન્ચે જણાવ્યું હતું કે આ મુદ્દે સમાજ અને મંદિરની સંચાલન સમિતિએ જ નિર્ણય લેવાનો છે. સુપ્રીમ કોર્ટ તેમા કોઈ આદેશ નહીં આપે. અમે કદાચ અભિપ્રાય આપી શકીએ કે આવી કોઈ વિશેષ સવલત હોવી ન જોઈએ, પરંતુ આ પ્રકારના આદેશ આપી ન શકીએ.
બેન્ચે જણાવ્યું હતું કે અમે માનતા નથી કે આ કેસમાં બંધારણની જોગવાઈ ૩૨ હેઠળના અધિકારોનો ઉપયોગ કરવો જરુરી છે. જો કે અમે આ અરજી ફગાવી દીધી તેનો અર્થ એવો થતો નથી કે અધિકૃત સત્તાવાળાઓ આ બાબતમાં જરૂરી હોય તે પગલાં ન લે.
અરજદારના વકીલે દલીલ કરી હતી કે બાર જ્યોતિર્લિંગ અને તેમા વિવેકમુનસફી મુજબ અનુસરવામાં આવતી વીઆઇપી દર્શનની સગવડ માટે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસીજરની જરૂર છે. વૃંદાવનના રાધામદન મોહન ટેમ્પલના વિજય કિશોર ગોસ્વામીએ ફાઇલ કરેલી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી.