'ચંદા લો ધંધા દો'ના કથિત આરોપોની SIT દ્વારા તપાસનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, CJI શું બોલ્યા જુઓ?
Electoral Bond case: સુપ્રીમ કોર્ટે ઇલેક્ટરોલ બોન્ડ મારફત દાન લેનાર રાજકીય પક્ષો અને દાન આપનાર કોર્પોરેટ કંપનીઓ વચ્ચે સાંઠગાંઠના કથિત આરોપો પર સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની તપાસની માગ કરનાર અરજીઓ ફગાવી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની જસ્ટિસ જેબબી પારડીવાળા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બૅન્ચે આજે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ હેઠળ કથિત દાન લો અને ધંધો આપોની વ્યવસ્થા પર કાયદાકીય દેખરેખની તપાસ માટે SIT ની રચના કરવા માગ કરી હતી.
ઇલેક્ટોરલ બોન્ડ બંધ કરવા આદેશ આપ્યો હતો
આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને બેનામી ફંડિંગની મંજૂરી આપતી ઇલેક્ટોરલ બોન્ડ યોજના રદ કરી દીધી હતી અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને તાત્કાલિક ધોરણે ઇલેક્ટોરલ બોન્ડ ઇશ્યૂ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં કોર્ટે એસબીઆઈને તમામ દાતાઓની વિગતો સાર્વજનિક કરવાનો આદેશ પણ આપ્યો હતો. બે એનજીઓ, કોમન કોઝ અને સેન્ટર ફૉર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એસબીઆઈ દ્વારા જારી કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડ્સ પરના ડેટા દર્શાવે છે કે મોટાભાગના કોર્પોરેટ હાઉસ દ્વારા રાજકીય પક્ષોને દાન લો અને બિઝનેસ આપોની વ્યવસ્થા હેઠળ દાન આપવામાં આવ્યું હતું.
અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કરાર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અથવા આવકવેરા વિભાગ સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને ટાળવા અથવા નાણાકીય લાભ માટે કરવામાં આવ્યા હોઈ શકે છે. તેથી તેની તપાસ SIT દ્વારા ન્યાયિક દેખરેખ હેઠળ થવી જોઈએ.