Get The App

સુપ્રીમ કોર્ટ: કોઈ પણ કેસમાં આપોઆપ સ્ટે હટી જવાના નિર્ણય પર થશે પુનર્વિચાર, CJIની ખંડપીઠને સૂચના

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટ: કોઈ પણ કેસમાં આપોઆપ સ્ટે હટી જવાના નિર્ણય પર થશે પુનર્વિચાર, CJIની ખંડપીઠને સૂચના 1 - image


Image Source: Twitter

- છ મહિનાની મુદત પૂરી થયા બાદ તમામ સિવિલ અને ફોજદારી કેસોમાંનો સ્ટે આપોઆપ હટી જશે

નવી દિલ્હી, તા. 04 ડિસેમ્બર 2023, સોમવાર

સુપ્રીમ કોર્ટે 'એશિઅન રિસર્ફેસિંગ મામલે' પોતાના 2018ના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય ખંડપીઠને નોટિફિકેશન આપી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, છ મહિનાની મુદત પૂરી થયા બાદ તમામ સિવિલ અને ફોજદારી કેસોમાંનો સ્ટે આપોઆપ હટી જશે.

નોટિફિકેશન પ્રમાણે બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ અભય એસ ઓકા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હશે. આ મુદ્દે બંધારણીય ખંડપીઠ આસામમાં ગેરકાયદેસર પ્રવાસીઓ સાથે સબંધિત નાગરિકતા અધિનિયમની કલમ 6Aની બંધારણીય માન્યતા સાથે સંબંધિત અન્ય કેસમાં કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સુનાવણી શરૂ કરશે.

રાકેશ દ્વિવેદીની અરજી પર આપ્યુ હતું ધ્યાન

ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા તથા જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે 'હાઈકોર્ટ બાર એસોસિએશન ઓફ અલ્હાબાદ' તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીની અરજી પર ધ્યાન આપ્યુ હતું કે 2018નો ચુકાદો બંધારણની કલમ 226 હેઠળ ઉચ્ચ અદાલતોને આપવામાં આવેલી શક્તિને છીનવી લે છે. 

વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીની વાત સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કેસને બંધારણીય ખંડપીઠની સામે રાખવા માટે એટર્ની જનરલ આર વેંકટરામણી અથવા સોલિસિટર જનરલ તુષાર મહેતાને સહયોગ કરવા માટે જણાવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશન તરફથી હાજર રહેલા દ્વિવેદીએ કહ્યું હતું કે 2018ના નિર્દેશો ઘણી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. 

'એશિયન રિસર્ફેસિંગ ઓફ રોડ એજન્સી પ્રાઈવેટ લિમિટેડ'ના ડિરેક્ટર વિરુદ્ધ CBIના મામલે તેના ચુકાદામાં ત્રણ જજોની ખંડપીઠે કહ્યું હતું કે હાઈકોર્ટ સહિતની અદાલતો દ્વારા આપવામાં આવેલા સ્ટેના વચગાળાના આદેશો જેને જ્યાં સુધી તેને ખાસ રીતે લંબાવવામાં ન આવે ત્યાં સુધી તે આપોઆપ રદ થઈ જશે. આનો અર્થ એ છે કે છ મહિના બાદ કોઈપણ કેસ અથવા કાર્યવાહી સ્થગિત ન રહી શકે. જો કે સુપ્રીમ કોર્ટે પાછળથી એ સ્પષ્ટતા કરી હતી કે જો સ્ટે ઓર્ડર તેમના દ્વારા પસાર કરવામાં આવ્યો છે તો આ નિર્ણય લાગુ કરવામાં નહીં આવશે.


Google NewsGoogle News