સુપ્રીમ કોર્ટના ચુકાદાને મળ્યો 22 પૂર્વ જજોનો સાથ, કહ્યું- 'સમલૈંગિક લગ્ન ભારતની સંસ્કૃતિ નથી'

SCએ તાજેતરમાં જ સમલૈંગિક લગ્નને મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો, જેને 22 પૂર્વ જજોએ પણ આપ્યું સમર્થન

પૂર્વ જજોના નિવેદનમાં જણાવાયું કે, સુપ્રીમે સંવૈધાનિક નિયમો, સંસ્કૃતિ, નૈતિક મૂલ્યોને ધ્યાને રાખી લીધેલો નિર્ણય તદ્દન યોગ્ય

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટના ચુકાદાને મળ્યો 22 પૂર્વ જજોનો સાથ, કહ્યું- 'સમલૈંગિક લગ્ન ભારતની સંસ્કૃતિ નથી' 1 - image

નવી દિલ્હી, તા.20 ઓક્ટોબર-2023, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે (Supreme Court) 17મી ઓક્ટોબરે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવી સમલૈંગિક લગ્ન (Same Sex Marriage)ને મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે લગ્નને મૂળ અધિકાર માનવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના સમર્થનમાં 22 પૂર્વ જજ સામે આવ્યા છે. આ પૂર્વ ન્યાયાધીશોનું કહેવું છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટે યોગ્ય ચુકાદો આપ્યો છે. સમલૈંગિકો વચ્ચેના લગ્નને સામાન્ય લગ્નની જેમ મંજુરી ન આપી શકાય. સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમર્થન આપવાનું નિવેદન જારી કરનારા પૂર્વ જસ્ટિસ પ્રમોદ કોહલીની સાથે ઈલાહાબાદ, બોમ્બે, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઘણા હાઈકોર્ટના 22 પૂર્વ ન્યાયાધીશો સામેલ છે.

SCના નિર્ણયના સમર્થનમાં હાઈકોર્ટના 22 પૂર્વ જજોનું નિવેદન બહાર પડાયું

ન્યાયાધીશો દ્વારા આજે બહાર પડાયેલ એક નિવેદનમાં જણાવાયું છે કે, સર્વોચ્ચ અદાલતે સંવૈધાનિક નિયમો, સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોને ધ્યાને રાખી આ નિર્ણય લીધો છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાને રાખી આ તદ્દન યોગ્ય નિર્ણય છે. આ કારણ છે કે સમાજના મોટા લોકો દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરાયું.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું ?

સમલૈંગિક સમુહો સતત માંગ કરી રહ્યા હતા કે, તેમને પણ સામાન્ય લોકોની જેમ સમાજમાં જીવવાનો અધિકાર મળવો જોઈએ. તેમને સાથે રહેવાનો અધિકાર પહેલાથી જ મળી ચુક્યો છે, પરંતુ હવે તેઓ આનાથી આગળ વધી લગ્ન કરવા અને બાળકને દત્તક લેવાના અધિકારની માંગ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકાર તેમને આ અધિકાર આપવાના પક્ષમાં નથી. સુપ્રીમ કોર્ટમાં આપેલ સોગંદનામામાં કેન્દ્ર સરકારે સમલૈંગિક સમુહોને સંપૂર્ણ સન્માન-રક્ષણ સાથે લગ્નની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. સરકારનું કહેવું હતું કે, આમ કરવાથી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લગ્ન સંસ્કૃતિને ઊંડો ફટકો પડશે.


Google NewsGoogle News