ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલને જામીન મળી શકે? જાણો આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ઈડીને શું કહ્યું

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલને જામીન મળી શકે? જાણો આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ઈડીને શું કહ્યું 1 - image


Arvind Kejriwal Bail Case : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી (Delhi Liquor Policy Scam)માં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં હાલ તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) કરેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ચૂંટણીના કારણે તેમના વચગાળાના જામીન પર વિચારવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આ કેસમાં આગામી સુનાવણી સાતમી મેએ ફરી હાથ ધરાશે. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ અમે ચૂંટણીના કારણે તેમના વચગાળા જામીન પર વિચાર કરી શકીએ છીએ.

વચગાળાના જામીન પર EDની દલીલ બાદ વિચાર કરાશે : કોર્ટ

ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની ખંડપીઠે ઈડીના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુને કહ્યું કે, કેજરીવાલે ધરપકડ વિરુદ્ધની કરેલી અરજીની સુનાવણીમાં સમય લાગી શકે છે, જેના કારણે કોર્ટ તેમને વચગાળાના જામીન આપવા પર તપાસ એજન્સીઓની દલીલ સાંભળવા પર વિચાર કરી શકે છે. આ મુદ્દે એસ.વી.રાજુએ દલીલ કરી કે, અમે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો વિરોધ કરીશું.

સુપ્રીમ કોર્ટે ઈડીના વકીલની ઝાટકણી કાઢી

ઈડીના વકીલની દલીલ પર સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, અમે તેમને વચગાળના જામીન આપવા પર સુનાવણી કરવાનું કહ્યું છે, તેમને વચગાળાના જામીન આપી દઈશું, તેવું કહ્યું નથી. અમે તેમને વચગાળાના જામીન આપી પણ શકીએ અને ન પણ આપીએ. કોર્ટે ઈડીના વકીલને કહ્યું કે, તેઓ આ મામલે દલીલો કરવા માટે સાતમી મેએ તૈયારી સાથે આવે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે પોતાની ધરપકડના વિરોધમાં કોર્ટમાં અરજી કરી હતી, જેને ઈડીએ પડકાર ફેંક્યો છે.

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને સમર્થન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે, દિલ્હી લિકર પોલિસીમાં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21મીએ ધરપકડ કરાયા બાદ તેઓ તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલે ધરપકડના વિરોધમાં સુપ્રીમ કોર્ટને અરજી કરી હતી, ત્યારે આ મામલે કોર્ટે ઈડીને નોટિસ પાઠવી કેજરીવાલની અરજી પર જવાબ માંગ્યો હતો. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે નવમી એપ્રિલે કેજરીવાલની ધરપકડને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, ઈડી પાસે ખૂબ જ ઓછો સમય બચ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, ઈડીએ વારંવાર સમન્સ પાઠવ્યા છતાં તેઓ તપાસમાં સહકાર આપવાનો ઈનકાર કરી દીધો હતો.


Google NewsGoogle News