દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો
Huge stash of unaccounted cash found at Delhi HC judge’s home : સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવતા ભારતીય ન્યાય વ્યવસ્થામાં ભૂકંપ આવ્યો છે. માહિતી અનુસાર ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને કેશનો ઢગલો મળી આવ્યો હતો. આ મામલે તાત્કાલિક સીજેઆઇના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમને જાણ કરાઈ હતી.
આગ લાગી ત્યારે યશવંત વર્મા બંગલૉમાં નહોતા
સૂત્રોએ જણાવ્યું કે જ્યારે આગની ઘટના બની ત્યારે યશવંત વર્મા શહેરમાં જ નહોતા. તેમના પરિવારના સભ્યોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એટલા માટે રોકડનો ઢગલો સૌની સામે આવી ગયો હતો. આ મામલે રૅકોર્ડબુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની એન્ટ્રી કરાઈ હતી.
બદલી અને આંતરિક તપાસ બંને અલગ અલગ
સમગ્ર મામલે વિવાદ વધતાં 21 માર્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી. પ્રેસનોટ અનુસાર આ કેસમાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આજે ( 21 માર્ચ, 2025) જ રિપોર્ટ રજૂ કરશે. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈન-હાઉસ તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આ મામલે અમુક અહેવાલોમાં ખોટી સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે. જસ્ટિસ યશવંત વર્માની બદલીનો પ્રસ્તાવ સ્વતંત્ર છે અને આંતરિક તપાસ અલગથી ચાલી રહી છે.