Get The App

'દેશ બહુમતીની ઇચ્છાથી ચાલશે...', વિવાદિત નિવેદન આપનારા જજ સામે સુપ્રીમ કોર્ટ એક્શનમાં

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News

'દેશ બહુમતીની ઇચ્છાથી ચાલશે...', વિવાદિત નિવેદન આપનારા જજ સામે સુપ્રીમ કોર્ટ એક્શનમાં 1 - image

Supreme Court : તાજેતરમાં અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના એક કાર્યક્રમમાં આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને હવે સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. કોર્ટે કહ્યું હતું કે, 'આ મામલો વિચારણા હેઠળ છે. હાઇકોર્ટ પાસેથી વિગતવાર માહિતી માંગવામાં આવી છે.' 

CJI સામે કરાઈ હતી ફરિયાદ

અહીં તમને જણાવી દઈએ કે અગાઉ કેમ્પેઇન ફોર જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી ઍન્ડ રિફોર્મ્સ(CJAR)એ ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI)ને પત્ર લખીને આ અંગે ફરિયાદ કરી હતી. આ પત્રમાં અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવના નિવેદનની આંતરિક તપાસની માંગ કરી હતી. પત્રમાં માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી જસ્ટિસને તમામ ન્યાયિક કામથી દૂર રાખવામાં આવે.

શું કહ્યું હતું જસ્ટિસ શેખર કુમાર યાદવે?

આ કાર્યક્રમમાં ઘણાં વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું હતું કે, ‘મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ હિન્દુસ્તાન છે અને આ દેશ અહીં રહેતા બહુમતી લોકોની ઇચ્છા પ્રમાણે ચાલશે. તમે ચાર પત્નીઓ રાખવાની, હલાલ કરવાનો કે ટ્રિપલ તલાક કરવાના અધિકારનો દાવો કરી શકો નહીં. તમે દેશની સંસ્કૃતિ, દેવતાઓ અને મહાન નેતાઓનો અનાદર ન કરી શકો. તમે એ મહિલાનું અપમાન ન કરી શકો કે જેમને હિંદુ શાસ્ત્રો અને વેદોમાં દેવી ગણવામાં આવી હોય. મેં જે કહ્યું તે કોઈ ખાસ ધર્મ માટે નથી. આ આપણને બધાને લાગુ પડે છે. દરેક ધર્મે પોતે જ બધી ખોટી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો દેશ પોતાના તમામ નાગરિકો માટે સમાન કાયદો લાવશે.'

આ પણ વાંચો : આ દેશમાં બહુમતી કહેશે એમ થશે... VHPના કાર્યક્રમમાં હાઇકોર્ટના જજના નિવેદનથી હોબાળો

નિવેદનથી મચ્યો હતો હોબાળો

હકીકતમાં અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના લીગલ સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ની બંધારણીય જરૂરિયાત' વિશે સંબોધન આપવા ગયા હતા. તે દરમિયાન તેમણે કરેલા આ નિવેદનથી હોબાળો મચી ગયો હતો. 

'દેશ બહુમતીની ઇચ્છાથી ચાલશે...', વિવાદિત નિવેદન આપનારા જજ સામે સુપ્રીમ કોર્ટ એક્શનમાં 2 - image


Google NewsGoogle News