સદ્ગુરુના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, બળજબરીથી છોકરીઓને રાખવાનો કેસ રદ
SC Close Habeas Corpus Petition Against Isha Foundation: સુપ્રીમ કોર્ટે શુક્રવારે જગ્ગી વાસુદેવ (સદ્ગુરુ) ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ફાઉન્ડેશન સામે ચાલી રહેલા એ મામલાને રદ કરી દીધો છે, જેમાં એક પિતાએ આરોપ લગાવ્યો હતો કે, તેમની બન્ને દીકરીઓને 'બ્રેઇનવૉશ' કરીને તમિલનાડુના કોયંબતૂરમાં સ્થિત સદ્ગુરુ આશ્રમમાં સામેલ કરવામાં આવી અને પરિવારના સંપર્કથી પણ વંચિત કરી દેવામાં આવી. આ મામલે અરજી દાખલ કરી દાવો કરવામાં આવ્યો હતો કે, તેમની બન્ને દીકરીઓને ગેરકાયદેસર રૂપે આશ્રમમાં બંદી બનાવીને રાખવામાં આવી છે, પરંતુ ચીફ જસ્ટિસ (CJI) ડી. વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, બન્ને દીકરીઓ ગીતા અને લત્તા પુખ્ત વયની છે અને પોતાની મરજીથી આશ્રમમાં રહે છે.
સુપ્રીમ કોર્ટે આપી રાહત
જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, આ આદેશ ફક્ત આ વિશેષ મામલે જ આપવામાં આવ્યો છે. હાલ આશ્રમમાં એક ડૉક્ટર દ્વારા બાળકો સાથે દુર્વ્યવહારનો મામલો નોંધવામાં આવ્યો છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે. 'બ્રેઇનવૉશ'ના આરોપ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મદ્રાસ હાઇકોર્ટે આ મામલે અનુચિત રીતે હસ્તક્ષેપ કર્યો અને પોલીસને આશ્રમની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, જે કોર્ટ અનુસાર અનુચિત હતું.
સંસ્થાને બદનામ ન કરોઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે બન્ને છોકરીઓને આશ્રમમાં રાખવામાં આવી, ત્યારે તે સગીર વયની ન હતી. તે 27 અને 24 વર્ષની હતી. તેથી, હાઇકોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર ન હતી. કોર્ટમાં દીકરીઓની હાજરી પહેલાં જ અરજીનો ઉદ્દેશ પૂરો થઈ ગયો હતો. ચીફ જસ્ટિસે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, આ પ્રકારના કેસ લોકો અને સંસ્થાઓને બદનામ કરવા માટે ઉપયોગ ન કરી શકાય.
માતા-પિતા પરેશાન કરે છે : દીકરીઓનો આરોપ
આ મહિનાની શરુઆતમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી રહેલા મામલાને પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધો અને પોલીસ તપાસ રોકી દીધી, જે પિતાએ આરોપ બાદ શરુ થઈ હતી. પિતાએ આરોપ લગાવ્યો હતો કે, સદ્ગુરુ જગ્ગી વાસુદેવે આશ્રમમાં પોતાની દીકરીઓને ખોટી રીતે રાખી છે, પરંતુ દીકરીઓએ ખુદ કોર્ટ સામે હાજર થઈને કહ્યું કે, તે પોતાની મરજીથી આશ્રમમાં રહે છે અને તેના પિતા છેલ્લા આઠ વર્ષથી તેમને પરેશાન કરી રહ્યા છે. એક દીકરીએ એવું પણ કહ્યું કે, તેમની માતા પણ તેમને હેરાન કરે છે.
કોર્ટે દીકરીઓના પિતાને આપી સલાહ
ઈશા ફાઉન્ડેશન તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તમિલનાડુ પોલીસની સ્થિતિ રિપોર્ટમાં પણ એવું સ્પષ્ટ હતું કે, બન્ને મહિલાઓ સ્વેચ્છાએ આશ્રમમાં રહે છે. સુપ્રીમ કોર્ટે પિતાને કહ્યું કે, તે પોતાની દીકરીઓના જીવન પર નિયંત્રણ ન રાખી શકે અને તેમને સલાહ આપી કે તે તેમનો વિશ્વાસ જીતે, ન કે કોર્ટમાં અરજીઓ દાખલ કરે.
ઈશા ફાઉન્ડેશન પર સવાલ
પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અન્ય અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા ઘણાં લોકો ગાયબ છે. આ સિવાય, ઈશા આઉટરીચ પ્રોગ્રામમાં કામ કરતાં એક ડૉક્ટર પર બાળકો સાથે જાતીય સતામણીનો કેસ પણ દાખલ છે. દિલ્હીની એક મહિલાએ પણ 2021માં યોગા કોર્સ દરમિયાન પોતાની સાથે યૌન શોષણની ફરિયાદ દાખલ કરાવી હતી, જેનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો હતો.