સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, કેન્દ્રને આદેશ આપતા કહ્યું- ‘એક કલાકમાં કેશલેસ સારવાર આપો'
Supreme Court Road Accident Policy Cashless Treatment : દેશમાં 2024માં કુલ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, જેમાં 30000 લોકોના મોત હેલમેટ ન પહેરવાના કારણે થયા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવી માર્ગ અકસ્માતના ઈજાગ્રસ્તોને એક કલાકમાં કેશલેશ સારવાર આપવાની પોલિસી બનાવવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે. કોર્ટે કાયદામાં ઉલ્લેખિત ‘ગોલ્ડન અવર’ સમયગાળામાં અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર આપવા માટે નીતિ બનાવવાની કેન્દ્ર સરકારને હિમાયત કરી છે. એટલે કે ઈજાગ્રસ્તના જીવને જોખમ ન રહે, તે માટે પીડિતને એક કલાકની અંદર સારવાર આપવામાં આવે.
કેન્દ્ર સરકારને 14 માર્ચ સુધીમાં પોલિસી રજૂ કરવા આદેશ
ન્યાયાધીશ અભય એસ.ઓકા અને ન્યાયાધીશ ઑગસ્ટીન જોર્જ મસીહની બેંચે મોટર વાહન અધિનિયમ-1988 ની કલમ-162(2)નો ઉલ્લેખ કર્યો છે અને કેન્દ્ર સરકારને 14 માર્ચ સુધીમાં આવી પોલિસી રજૂ કરવા આદેશ આપ્યો છે. મોટર વાહન અધિનિયમની કલમ 2(12-A) હેઠળ વ્યાખ્યાયિત કરાયેલા 'ગોલ્ડન અવર'નો અર્થ થાય છે કે, ગંભીર ઈજા બાદ એક કલાકના સમયગાળામાં તાત્કાલિક સારવાર મળવાથી મૃત્યુના જોખમને ટાળી શકાય છે.
આ પણ વાંચો : માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મળશે કેશલેસ ટ્રીટમેન્ટ, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
સુપ્રીમ કોર્ટનું કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ
બેંચે કહ્યું કે, ‘અમે મોટર વાહન અધિનિયમની કલમ 162 ની પેટા-કલમ (2) ના સંદર્ભમાં કેન્દ્ર સરકારને નિર્દેશ આપીએ છીએ કે, તેઓ વહેલામાં વહેલી તકે અને કોઈપણ સ્થિતિમાં 14 માર્ચ-2025 સુધીમાં એક નીતિ બનાવે. ત્યારબાદ આ મામલે કોઈપણ વધુ સમય આપવામાં નહીં આવે. આ ઉપરાંત કોર્ટે પોલિસીની એક કોપી 21 માર્ચ અથવા તે પહેલાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સંબંધિત અધિકારીના એફિડેવિટ સાથે રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોપીમાં તેના અમલની રીત દર્શાવાયેલી પણ હોવી જોઈએ.
2024માં 1.80 લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડેટા મુજબ 2024માં કુલ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જેમાં 30000 લોકોના મોત હેલમેટ ન પહેરવાના કારણે થયા છે. ઉલ્લેખનીય છે, આ મૃતકોમાં 66 ટકા લોકો 18થી 34 વર્ષનો યુવા વર્ગ હતો. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા મુજબ, શાળાઓ અને કોલેજોમાં યોગ્ય રીતે એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટની વ્યવસ્થા ન હોવાથી 2024માં આશરે 10 હજાર બાળકોએ જીવ ગુમાવ્યા છે. શાળાઓની ઓટો રિક્ષા અને મીની બસ માટે નિયમો હોવા છતાં તેના અનુપાલનના અભાવે બાળકો પણ દુર્ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. અમે તમામ ખામીઓને ધ્યાનમાં લઈ તેને ઘટાડવા પ્રયાસ કરીશું. માર્ગ અકસ્માતની ઘટનાઓ ઘટાડવા માટે સૌએ એકજૂટ થઈ પ્રયાસ કરવો પડશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં નવા જૂની થવાના એંધાણ! શરદ પવાર અને સંજય રાઉતે RSSના કર્યા ભરપૂર વખાણ