જાતિના આધારે કેદીઓ સાથે ભેદભાવ! સુપ્રીમ કોર્ટ ભડકી, દેશની તમામ જેલોમાં નિયમ બદલવા કેન્દ્રને આપ્યો આદેશ
Supreme Court Cancelled Rules Of Prison Manual : જાતિના આધારે ભેદભાવ અને અસ્પૃશ્યતા સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે, જેલ મેન્યુઅલમાં હજુ પણ આ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે જેલમાં જાતિના આધારે કામની વહેંચણી કરવા અને જાતિ-આધારિત ભેદભાવમાં વધારો કરવાના નિયમો પર ચિંતા વ્યક્ત કરતા, ગુરુવારે રાજ્યોના જેલ મેન્યુઅલની ભેદભાવપૂર્ણ જોગવાઈઓને ફગાવી દીધી હતી. જેમાં કોર્ટે ભેદભાવપૂર્ણ નિયમોને બંધારણની કલમ 14, 15, 17, 21 અને 23નું ઉલ્લંઘન ગણાવ્યું છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો આદેશ
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, તેઓ કોર્ટના આદેશ મુજબ ત્રણ મહિનામાં તેમની જેલ મેન્યુઅલની જોગવાઈઓ અને નિયમોમાં સુધારો કરે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે, જાતિગત ભેદભાવને દૂર કરવા માટે મોડલ જેલ મેન્યુઅલ 2016 અને મોડલ જેલ અને સુધારાત્મક સેવા અધિનિયમ 2023 માં ત્રણ મહિનાની અંદર જરૂરી સુધારા કરો.
જાતિના આધારે ગુનેગારનો ઉલ્લેખ ગેરબંધારણીય
આદેશમાં જણાવ્યું છે કે, રાજ્યના જેલ મેન્યુઅલમાં જ્યાં પણ રીઢા ગુનેગારના સંદર્ભ હશે, તે સંદર્ભ રાજ્યના કાયદામાં રીઢા ગુનેગારની આપવામાં આવેલી પરિભાષા પ્રમાણે હશે અને જો જેલ મેન્યુઅલમાં જાતિના આધારે રીઢા ગુનેગારનો ઉલ્લેખ હોય તો તે ગેરબંધારણીય ગણાશે.
કોર્ટે શું કર્યો આદેશ?
કોર્ટે આદેશ આપ્યો છે કે, જો અંડરટ્રાયલ કેદીઓ અથવા જેલની અંદરના રજિસ્ટરમાં ક્યાંય પણ સજા ભોગવી રહેલા કેદીઓના રજિસ્ટરમાં જાતિનો કોલમ હોય તો તેને ભૂંસી દેવો એટલે કે તેને નાબૂદ કરી દેવો. કોર્ટે કહ્યું કે, પોલીસ એ સુનિશ્ચિત કરશે કે અપ્રમાણિત આદિવાસીઓ મનસ્વી ધરપકડનો શિકાર ન બને. સુપ્રીમ કોર્ટે ત્રણ મહિના પછી યોગ્ય બેંચ સમક્ષ કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે તમામ રાજ્યો પ્રથમ સુનાવણી પર આ નિર્ણયના પાલનનો અહેવાલ દાખલ કરશે.