'ભગવાનને તો રાજકારણથી દૂર રાખો...', તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે નાયડુનો ઉધડો લીધો
Supreme Court on Tirupati Prasad Controversy | તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ કોર્ટ બરાબરની લાલઘૂમ થઇ. સુપ્રીમ કોર્ટના જજોએ કહ્યું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ભગવાનને રાજકારણથી દૂર રાખવાની જરૂર હતી. જો પ્રસાદીમાં ભેળસેળનો રિપોર્ટ બે મહિના અગાઉ આવી ગયો હતો તો નિવેદન જાહેર કરવામાં વિલંબ કેમ કર્યો?
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી.આર.ગઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની બેન્ચે સુનાવણી વખતે કહ્યું કે પ્રસાદ ત્યારે કહેવાય છે જ્યારે તેને ભગવાનને ચઢાવી દેવામાં આવે છે. એના પહેલા તો તે મીઠાઈ જ હોય છે. એટલા માટે ભગવાન-ભક્તોનો હવાલો ન આપશો. ભગવાનને રાજકારણથી દૂર રાખજો.
અરજદાર શું બોલ્યાં?
જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ સુબ્રમણ્યમ સ્વામીના વકીલે કહ્યું કે પ્રસાદ બનાવવા માટે વપરાતી સામગ્રી તપાસ્યા વિના રસોડામાં જઈ રહી હતી. તપાસમાં આ અંગે ખુલાસો થયો છે. તેના પર નજર રાખવાની જવાબદારી તંત્રની હોય કારણ કે સિસ્ટમ તેની દેખરેખ માટે જવાબદાર હોવી જોઈએ કારણ કે પ્રસાદ દેવતાને અર્પણ થાય છે અને જનતા અને ભક્તો માટે તે સૌથી પવિત્ર ગણાય છે.
નાયડુના આરોપોની તપાસની માગ
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરાયેલા આરોપોની કોર્ટની નજર હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન લાડુમાં વપરાતા પ્રસાદમ અને ઘીની ગુણવત્તા ચકાસવા માટે રાજ્ય સરકારની એક સોસાયટી તિરુપતિમાં છે.
કોર્ટમાં શું શું થયું?
તિરુપતિ મંદિરના બોર્ડ વતી વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ અને આંધ્ર પ્રદેશ રાજ્ય વતી વરિષ્ઠ એડવોકેટ એડવોકેટ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. જસ્ટિસ બીઆર ગવઈએ આંધ્ર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, "જ્યારે તમે બંધારણીય પદ સંભાળો છો, ત્યારે તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભગવાનને રાજકારણથી દૂર રાખવામાં આવે." કોર્ટે રોહતગીને એમ પણ પૂછ્યું કે, "તમે SIT માટે આદેશ આપ્યો હતો, પરિણામ આવે ત્યાં સુધી પ્રેસમાં જવાની શું જરૂર હતી? તમે હંમેશા આવા મામલાઓમાં હાજર રહ્યા છો, આ બીજી વખત છે." ચંદ્રાબાબુ નાયડુ સરકાર વતી રોહતગીએ દલીલ કરી હતી કે આ 'સાચી અરજીઓ નથી'. અગાઉની સરકાર દ્વારા વર્તમાન સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.