બાળકનું ધ્યાન સરકાર રાખશે: મહિલાની 26 સપ્તાહના ભ્રૂણના ગર્ભપાતની મંજૂરી માટેની અરજી સુપ્રીમે ફગાવી

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
બાળકનું ધ્યાન સરકાર રાખશે: મહિલાની 26 સપ્તાહના ભ્રૂણના ગર્ભપાતની મંજૂરી માટેની અરજી સુપ્રીમે ફગાવી 1 - image

Image:Freepik

નવી દિલ્હી,તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર 

સુપ્રીમ કોર્ટે સોમવારે 26 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે આ નિર્ણય એવા સમયે આપ્યો છે જ્યારે AIIMSના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મહિલાના ગર્ભમાં બાળક સામાન્ય છે. કોર્ટને જાણવા મળ્યું કે, ડિપ્રેશનથી પીડિત મહિલા જે દવાઓ લઈ રહી હતી તેનાથી બાળકને કોઈ નુકસાન થયું નથી.

વાસ્તવમાં જ્યારે શુક્રવારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે AIIMS મેડિકલ બોર્ડને ગર્ભમાં રહેલા બાળક પર થતી અસર અંગે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. 

આ અંગે મહિલાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, તે લેક્ટેશનલ એમેનોરિયા નામની બીમારીથી પીડિત છે. આ સિવાય તે ડિપ્રેશનમાં પણ છે અને તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી. તેથી, તે તેના ત્રીજા બાળકને ઉછેરવામાં સક્ષમ નથી.

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહિલાની હેલ્થ ચેકઅપ કરવાનો આદેશ આપ્યો હતો. આજે કોર્ટમાં રજૂ કરાયેલા નવા AIIMSના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગર્ભમાં રહેલું બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે, બાળકને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી. કોર્ટે આદેશમાં ટાંક્યું કે જન્મ બાદ બાળકનું ધ્યાન અને તમામ તકેદારી સરકાર રાખશે.

અગાઉ આ કેસની સુનાવણી બે જજોની બેંચ સમક્ષ થઈ હતી. 11 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો. એક ન્યાયાધીશે ગર્ભપાતને મંજૂરી આપવા માટે અનિચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે બીજા ન્યાયાધીશે કહ્યું હતું કે, મહિલાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.

જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, કોર્ટ કહેશે કે 'ભ્રૂણના ધબકારા બંધ કરી દેવા જોઈએ'. તેણે કહ્યું કે તે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી શકે નહીં.

તે જ સમયે જસ્ટિસ બીવી નાગરથનાએ કહ્યું કે કોર્ટે મહિલાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ, જે ગર્ભપાત કરાવવા પર અડગ રહી છે. જસ્ટિસ કોહલી અને જસ્ટિસ નાગરથનાની બેન્ચે 9 ઑક્ટોબરે આ આદેશ આપ્યો હતો. 


Google NewsGoogle News