યુપી-હરિયાણા-રાજસ્થાનમાં ફટાકડા પર પ્રતિબંધ: દિલ્હીમાં પ્રદૂષણ વધતાં સુપ્રીમ કોર્ટનો આદેશ
Delhi Air Pollution Case : દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ સતત વધતું જઈ રહ્યું છે. અહીં કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચી ગયું છે, ત્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ત્રણ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી સરકારે કોર્ટમાં શું કહ્યું ?
દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું કે, ‘અમે રાજધાનીમાં ફટાકડાના આખા વર્ષના સ્ટોક અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.’ સરકારની દલીલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તમારા નિર્ણયની અસર ત્યારે જ પડશે, જ્યારે એનસીઆરના અન્ય શહેરોમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવે. તેથી જ ઉત્તર પ્રદેશ અને હરિયાણાં પણ આવો પ્રતિબંધ લાદો.’ કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 15 જાન્યુઆરીએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : રાજ્યસભા અધ્યક્ષ ધનખડ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ રદ, કહ્યું- 14 દિવસની નોટિસ નહોતી આપી
કોર્ટે દિલ્હી સરકાર પાસે એફિડેવિટ માંગી
સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે દિલ્હીમાં 3800 ટનથી વધુ ઘન કચરા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને દિલ્હી સરકાર અને એમસીડીને ઘન કચરાનો નિવેડો લાવવાના યોગ્ય ઉપાયો અપનાવા કહ્યું છે. આ સાથે જ કોર્ટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016નું પાલન મુદ્દે દિલ્હી સરકાર પાસે એફિડેવિટ માંગી છે.
NCRની સરકારોને ચેતવણી
સુપ્રીમ કોર્ટે શ્રમિકોને ભરણપોષણ ન આપવા મામલે એનસીઆરની સરકારોને ચેતવણી આપી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને દિલ્હી જેમ ફટાકડા પર પ્રતિબંધ લાદવા કહ્યું છે. કોર્ટે GRAP-4 હેઠળ થતી કામગીરીની દેખરેખ રાખવા માટે એનસીઆરની રાજ્ય સરકારોને વિશેષ ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : ભાજપ સાંસદને ધક્કો મારવા બદલ રાહુલ ગાંધીને જેલ થઈ શકે છે, જાણો શું છે નિયમો