'ટેન્કર માફિયાઓ સામે શું પગલાં લીધાં..' દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યા પર સુપ્રીમનો વેધક સવાલ

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
'ટેન્કર માફિયાઓ સામે શું પગલાં લીધાં..' દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યા પર સુપ્રીમનો વેધક સવાલ 1 - image

Image : IANS


Delhi Water Crisis | દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યા પર સુપ્રીમકોર્ટે દિલ્હી સરકાર દ્વારા દાખલ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં હરિયાણા રાજ્યને બાકીનું પાણી છોડવા મામલે નિર્દેશ આપવાની માગ કરાઈ હતી. આ મામલે સુનાવણી કરતી જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પી.બી.વરાલેની બેન્ચે આ દરમિયાન દિલ્હી સરકારને અનેક સવાલો પૂછ્યાં હતા. 

કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યાં આ સવાલો 

સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે દિલ્હીમાં ટેન્કર માફિયા કામ કરી રહ્યું છે અને તમે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. જો દિલ્હી સરકાર કાર્યવાહી કરી શકે તેમ નથી તો અમે દિલ્હી પોલીસને આ મામલે પગલાં ભરવા કહી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ટેન્કર માફિયાઓ દ્વારા પાણીની અછત સામે ઝઝૂમતાં દિલ્હીવાસીઓ સામે ઉઘાડી લૂંટ ચલાવતા જોઈ શકાય છે. અહેવાલો અનુસાર એક એક ટેન્કર પાણીની કિંમત દેશની રાજધાનીમાં રુ. 3000ને વટાવી ગઈ છે. 

કોર્ટે ચલાવ્યો સવાલોનો મારો 

દિલ્હી સરકાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે અહીં ઉકેલ શોધવા આવ્યા છીએ. કૃપા કરીને હિમાચલ પ્રદેશની એફિડેવિટ અને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટ જુઓ. તેના પર ડિવિઝન બેન્ચે કહ્યું કે, 'સચિવ શા માટે એફિડેવિટ ફાઇલ નથી કરી રહ્યાં, મંત્રી શા માટે એફિડેવિટ ફાઇલ કરી રહ્યાં છે? હિમાચલનું કહેવું છે કે તેઓ પહેલાથી જ વધારાનું પાણી છોડી ચૂક્યા છે. હવે હિમાચલ કહે છે કે તેમની પાસે વધારાનું પાણી નથી. બોર્ડને કેમ ના જણાવાયું?

ટેન્કર માફિયા અંગે ઉલ્લેખ કર્યો

ખંડપીઠે પૂછ્યું કે શા માટે કોર્ટમાં ખોટા જવાબો આપવામાં આવી રહ્યા છે? જો હિમાચલથી પાણી આવી રહ્યું છે તો દિલ્હીમાં પાણી ક્યાં જઈ રહ્યું છે? કોર્ટે કહ્યું કે એવું કહેવાય છે કે ટેન્કર માફિયા દિલ્હીમાં કામ કરી રહ્યા છે. જો તમે આના પર કાર્યવાહી નહીં કરો તો અમે આ મામલો દિલ્હી પોલીસને સોંપીશું. કોર્ટે કહ્યું કે અમે મીડિયા દ્વારા તેની તસવીર જોઈ રહ્યા છીએ. કોર્ટે કહ્યું, ટીવી ચેનલો બતાવી રહી છે કે દિલ્હીમાં ટેન્કર માફિયા વધી રહ્યા છે. દર ઉનાળામાં પાણીનો બગાડ ન થાય તે માટે તમે શું પગલાં લીધાં છે? 2023માં પાણીનો બગાડ અટકાવવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે? શું તમે કોઈ ટેન્કર માફિયા સામે કોઈ પગલાં લીધા છે? શું તમે એક પણ FIR નોંધાવી છે?

ગુરુવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે

દિલ્હી જલ બોર્ડ (DJB) એ કહ્યું કે ઘણા ટેન્કર ડીજેબીના છે જેની તસવીરો મીડિયામાં જોવા મળે છે. અમે કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ના, તમારે એફિડેવિટ દાખલ કરવી જોઈએ, મૌખિક નિવેદન નહીં. ડીજેબીએ કહ્યું ઠીક છે. અમે એફિડેવિટ ફાઇલ કરીશું. કોર્ટે દિલ્હી સરકારને પાણીના નુકસાન અને તેને રોકવા માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. સુપ્રીમકોર્ટે  કહ્યું કે અમે ગુરુવારે કેસની વિગતવાર સુનાવણી કરીશું. એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ત્યાં સુધી અમારી વાત પણ સાંભળો. કોર્ટે કહ્યું, ઠીક છે પણ ટૂંકમાં કહો. સિંઘવીની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે તમે એફિડેવિટમાં કહ્યું છે કે તમને પાણી મળી રહ્યું છે. સિંઘવીએ કહ્યું ના, વધારાનું પાણી મળતું નથી.હરિયાણા સરકારે કહ્યું કે દિલ્હી સરકાર ખોટા જવાબો આપી રહી છે.

'ટેન્કર માફિયાઓ સામે શું પગલાં લીધાં..' દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યા પર સુપ્રીમનો વેધક સવાલ 2 - image


Google NewsGoogle News