યુટ્યુબ પર અશ્લીલ વીડિયોઝ મુદ્દે એક્શન લે સરકાર: સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ટકોર
YouTube Obscene Content: યુટ્યુબ શોમાં રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પર આજે(18 ફેબ્રુઆરી, 2025) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુટ્યુબ પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલતાને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે કડક વલણ અપનાવવા નિર્દેશ કર્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, 'શું તે યુટ્યુબ પર ફેલાયેલા અશ્લીલ કન્ટેન્ટ અંગે કોઈ પગલું લેવા માગે છે?'
સરકારે આ મામલે કંઈક કરવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વવાળી બેન્ચે ડિજિટલ પ્લેટફોર્મના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંતે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું, 'અમે ઈચ્છીએ છીએ કે તમે (સરકાર) કંઈક કરો. જો સરકાર કંઈક કરવા તૈયાર હશે તો અમને આનંદ થશે. નહિંતર, આ કહેવાતી YouTube ચેનલ અને યુટ્યૂબર્સ તેનો દુરુપયોગ કરતાં જ રહેશે.'
અવગણના ન કરવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
કોર્ટે એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી પણ મદદ માગી છે કે, આપણે આ મુદ્દાના મહત્વ અને સંવેદનશીલતાને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ કાયદો ઘડવો જોઈએ. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાને મજબૂત કરવા માટે કેન્દ્રને પત્ર લખવાનું વિચારી રહી છે. જેથી સરકાર સુનિશ્ચિત કરી શકે કે, રણવીર અલ્હાબાદિયા જેવી અભદ્ર ટીપ્પણીઓ અન્ય કોઈ યુટ્યૂબર કરી શકે નહીં.