'મફતની રેવડી' ઓફર કરતાં રાજકીય પક્ષો પર સકંજો કસવાની તૈયારી! સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર
ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી શરૂ થવાની છે
Lok Sabha Elections 2024 | સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી માટે એક પીઆઈએલ લિસ્ટેડ કરવા પર સહમતિ આપી દીધી છે. આ પીઆઇએલ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન મફતની રેવડી એટલે કે મફત ભેટ કે યોજનાઓનો લાભ આપવાનો વાયદો કરવાની પ્રથા વિરુદ્ધ દાખલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી શરૂ થવાની છે.
ટોચની કોર્ટ સુનાવણી કરવા તૈયાર...
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે બુધવારે કહ્યું કે આ જરૂરી છે અને અમે આ મામલે કાલે સુનાવણી ચાલુ રાખીશું. પીઆઈએલ દાખલ કરનાર અશ્વિની ઉપાધ્યાય વતી હાજર વરિષ્ઠ વકીલ વિજય હંસારીયાએ દલીલ કરી કે અરજી પર લોકસભા ચૂંટણી પહેલા સુનાવણી જરૂરી છે. તેના પર ટોચની કોર્ટે તૈયારી બતાવી હતી.
પીઆઈએલમાં શું માગ કરાઈ
અરજીમાં રાજકીય પક્ષોના મફતની રેવડી સંબંધિત નિર્ણયોને બંધારણની કલમ 14, 162, 266 (3) અને 282 નું ઉલ્લંઘન ગણાવાયા છે. અરજીમાં ચૂંટણી પંચને આવા રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્ન જપ્ત કરવા અને રજિસ્ટ્રેશન કરવાનો નિર્દેશ આપવાની માગ કરાઈ છે. અરજીમાં દાવો કરાયો છે કે રાજકીય પક્ષો ખોટા લાભ લેવા માટે બેફામ રીતે કે પછી તર્કહીન વાયદાઓ કરે છે અને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે જે લાંચ અને અયોગ્ય પ્રભાવ સમાન બાબત છે.