'બે મહિનામાં જમ્મુ-કાશ્મીરને આપો પૂર્ણ રાજ્યનો દરજ્જો', અરજી પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
Jammu-Kashmir Statehood: સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર વિચાર કરવા સંમતિ આપી છે. ગુરુવારે (17મી ઓક્ટોબર) સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં બે મહિનામાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજીની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે થવી જોઈએ જેને મુખ્ય ન્યાયાધીશ વિચારણા કરવા સંમત થયા છે.'
જાણો શું છે સમગ્ર મામલો
આ અરજી બંધારણના અનુચ્છેદ 370ના સંબંધમાં દાખલ કરવામાં આવી છે. ડિસેમ્બર 2023માં પાંચ જજની બેન્ચે સર્વસંમતિથી જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી અનુચ્છેદ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના ઓગસ્ટ 2019ના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'અનુચ્છેદ 370 નાબૂદ કરવી એ જમ્મુ અને કાશ્મીરને ભારતમાં એકીકરણ કરવાની પ્રક્રિયા છે. અનુચ્છેદ 370 નાબૂદ કરવાની રાષ્ટ્રપતિની સત્તા સંપૂર્ણપણે કાયદેસર છે અને અનુચ્છેદ 370 હંમેશા અસ્થાયી જોગવાઈ હતી.' નિર્ણયમાં ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે 30મી સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો અને કેન્દ્રને શક્ય તેટલી વહેલી તકે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: રામ માધવ બની શકે છે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ, ઘણા રાજ્યોના ગવર્નરો બદલાય તેવી શક્યતા
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કરવું બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં તે અંગે કોઈ નિર્ણય આપ્યો નથી. કેન્દ્રના અગાઉના નિવેદનોને ટાંકીને, પ્રોફેસર ઝહૂર અહેમદ ભટ અને ખુર્શીદ અહેમદ મલિકે દલીલ કરી હતી કે, 'રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં વિલંબ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી અગાઉની ખાતરીઓ વિરુદ્ધ છે અને ભારતના સંઘીય માળખાને નબળી પાડે છે. અરજી ભારપૂર્વક જણાવે છે કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ હોવા છતાં, રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.'
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બન્યા
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (NC) એ 90 સભ્યોની વિધાનસભામાં 42 બેઠકો જીતીને જીત મેળવી હતી. ઓમર અબ્દુલ્લાએ બુધવારે (16મી ઓક્ટોબર) કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એનસીની ચૂંટણીમાં જીત બાદ ફારૂક અબ્દુલ્લાએ ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે પાર્ટીની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો.