બિહારમાં નીતિશ સરકારને સુપ્રીમનો ફટકો, 65 ટકા અનામત પર સ્ટે યથાવત્

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
બિહારમાં નીતિશ સરકારને સુપ્રીમનો ફટકો, 65 ટકા અનામત પર સ્ટે યથાવત્ 1 - image


- બિહાર સરકારને સુપ્રીમમાં હાલ કોઇ રાહત નહીં

- બિહાર સરકારે 50 ટકા અનામત વધારી ૬૫ ટકા કરી હતી, જેને પટના હાઇકોર્ટે ગેરબંધારણીય ગણાવી હતી

નવી દિલ્હી : બિહારની નિતિશ કુમાર સરકારને સુપ્રીમ કોર્ટમાં ફટકો પડયો છે. બિહારમાં સરકારે એસસી, એસટી અને ઓબીસીની અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરી હતી, જેના પર પટના હાઇકોર્ટ દ્વારા સ્ટે મુકવામાં આવ્યો હતો. પટના હાઇકોર્ટના આ સ્ટેને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો છે. હાલ આ મામલે બિહાર સરકારને કોઇ રાહત નથી આપી.   બિહાર સરકારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૫૦ ટકા અનામતને વધારીને ૬૫ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. જેના પર બાદમાં પટના હાઇકોર્ટે રોક લગાવી દીધી હતી. બિહાર સરકારે આ અનામત માટે કાયદો પણ પસાર કર્યો હતો. ગયા વર્ષે બિહારમાં જાતિ આધારીત વસતી ગણતરી કરવામાં આવી તેના આધારે રાજ્ય સરકાર દ્વારા આ અનામત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પટના હાઇકોર્ટની રોકને બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 

રાજ્ય સરકાર વતી હાજર વકીલ શ્યામ દિવાને સુપ્રીમની બેંચ સમક્ષ વિનંતી કરી હતી કે કોર્ટ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપે. અગાઉ છત્તીસગઢ હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુક્યો હતો. આ ઉપરાંત અનામત વધારવા સામે પટના હાઇકોર્ટમાં જે લોકોએ અપીલ કરી હતી તેમને પણ નોટિસ પાઠવવાની માગ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે અમે હાલ હાઇકોર્ટના આદેશ પર સ્ટેનો કોઇ આદેશ નહીં આપીએ. આ મામલે સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી કરવામાં આવશે. અગાઉ પટના હાઇકોર્ટે સ્ટે મુકતા કહ્યું હતું કે કોઇ પણ રાજ્ય ૫૦ ટકા અનામતમાં વધારો કે ઘટાડો ના કરી શકે. બિહાર સરકારના નિર્ણયને પટના હાઇકોર્ટે ગેરબંધારણીય ગણાવી હતી.  


Google NewsGoogle News