સુપ્રીમનો પ્રતિબંધ ફટાકડાના ધુમાડામાં ગાયબ : દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
સુપ્રીમનો પ્રતિબંધ ફટાકડાના ધુમાડામાં ગાયબ : દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર 1 - image


- દેશની રાજધાની ગેસ ચેમ્બરમાં ફેરવાઇ : એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત જોખમી સ્તરે

- ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને ગંભીર બીમારીના દર્દીઓને બહાર નહીં નીકળવાની સરકારની સલાહ

- વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં મુંબઇ અને કોલકાતાનો પણ સમાવેશ, પાક.નું લાહોર બીજા ક્રમે

નવી દિલ્હી : રાજધાની દિલ્હી અને આસપાસના રાજ્યોમાં પ્રદૂષણ જીવલેણ સાબિત થઇ રહ્યું છે. રાજ્ય સરકારે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો હોવા છતા અને સુપ્રીમ કોર્ટના આકરા આદેશ છતા દિલ્હીમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પરીણામે પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે અને રાજધાની ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગઇ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિસ્થિતિ એટલી કફોડી છે કે સરકારે લોકોને સલાહ આપી છે કે તેઓ હાલ સ્થિતિ કાબુમાં ના આવે ત્યાં સુધી ઘરની બહાર નિકળવાનું ટાળે. દિવાળી બાદ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એટલુ જોખમકારક બની ગયું છે કે તે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર પણ જાહેર કરાયું હતું.  

દિલ્હી સરકારે ગર્ભવતી મહિલાઓ, ગંભીર બીમારીના દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને વધુ સતર્ક રહેવાની સલાહ આપી છે. દિલ્હી સરકારની એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જે વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હોય અને જ્યાં વધુ પ્રદૂષણ હોય ત્યાં જવાનું લોકોએ ટાળવું જોઇએ. એટલુ જ નહીં લોકોને સવારની વોક પર, એક્સરસાઇઝ કરવા કે દોડવા ન જવાની સલાહ આપી છે. સાંજે અને સવારે પ્રદૂષણની સ્થિતિ વધુ ભયાનક સ્તરે પહોંચતી હોવાથી આ સમયગાળા દરમિયાન વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. 

રવિવારે દિવાળી હોવાથી મોટા પ્રમાણમાં લોકોએ ફટાકડા ફોડયા હતા, જેને કારણે સોમવારની સવારે પીએમ૧૦નું સ્તર ૧૫થી ૧૬ ગણુ વધી ગયું હતું. દિલ્હી પોલ્યૂશન કન્ટ્રોલ કમિટીના ડેટા અનુસાર સમગ્ર દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ) જોખમી સ્તરને પાર કરીને ૯૭૦ સુધી પહોંચી ગયું હતું. ખાસ કરીને અનંત વિહાર અને પુસા વિસ્તારમાં સ્થિતિ વધુ કફોડી છે. જ્યારે શહેરનું સરેરાશ સ્તર ૪૨૦ને પાર પહોંચી ગયું હતું. દિવાળીની જાહેર રજાઓને કારણે દિલ્હી અને આસપાસ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયો હતો. જેને કારણે પણ પ્રદૂષણનું સ્તર વધી ગયું હતું. સામાન્ય રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર ૪૦૦થી ૫૦૦ સુધી પહોંચે તો જે લોકો ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે તેમના માટે અત્યંત જોખમકારક માનવામાં આવે, જ્યારે ૧૫૦થી ૨૦૦ સુધીનું સ્તર અસ્થમા, લંગ, હ્ય્દય રોગના દર્દીઓ માટે વધુ જોખમકારક માનવામાં આવે છે. ૦-૫૦ સુધીનું સ્તર જ સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવે છે. બીજી તરફ દિલ્હીમાં મોટા પાયે ફટાકડા ફોડવા પાછળ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું, અને દાવો કર્યો હતો કે જાણી જોઇને ભાજપના સમર્થકો અને નેતાઓએ ફટાકડા ફોડયા છે. જ્યારે ટીએમસીના નેતા સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓએ સુપ્રીમ કોર્ટના પ્રતિબંધનો ભંગ કર્યો અને ફટાકડા ફોડયા, સાથે તેમણે દિલ્હી પોલીસ પાસેથી ફટાકડા ફોડનારા સામે કાર્યવાહીના ડેટા પણ માગ્યા હતા.  

સ્વિસ ગુ્રપ આઇક્યૂએર દ્વારા વિશ્વના સૌથી પ્રદુષીત ૧૦૦ શહેરોની યાદી જાહેર કરાઇ હતી, જેમાં એક્યૂઆઇ ૪૩૩ સાથે દિલ્હી પ્રથમ ક્રમે છે, જ્યારે પાકિસ્તાનનુ લાહોર એક્યૂઆઇ ૩૮૪ સાથે બીજા ક્રમે છે. વિશ્વના ટોચના ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પ્રથમ, કોલકાતા ચોથા ક્રમે અને મુંબઇ નવમાં ક્રમે રહ્યું છે. કોલકાતામાં સ્તર ૧૯૬ જ્યારે મુંબઇમાં ૧૫૬ રહ્યું. દિવાળી બાદ દેશભરમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ સરકારને પ્રદૂષણ અટકાવવા આકરા આદેશ આપ્યા હતા, સાથે જ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર લગાવેલો પ્રતિબંધ યોગ્ય ઠેરવ્યો હતો. અને લોકોને સલાહ આપી હતી કે તેઓ વધતા પ્રદૂષણને અટકાવવા ફટાકડા ફોડવાથી દૂર રહે, સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડનારા સામે શું કાર્યવાહી કરી તેનો પોલીસ પાસેથી રિપોર્ટ માગ્યો હતો, આટલા આકરા આદેશ છતા દિલ્હીમાં ખૂબ ફટાકડા ફૂટયા હતા. જેને કારણે રાજધાની ગેસ ચેમ્બરમાં ફેરવાઇ અને સાથે જ વિશ્વનું સૌથી પ્રદુષીત શહેર પણ જાહેર થયું.         

પ્રદૂષણ છતા ફટાકડા ફોડવાના કપિલ મિશ્રાએ વખાણ કર્યા, ટીએમસીની કાર્યવાહીની માગ

સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતા દિલ્હીમાં લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડયા જેને કારણે પ્રદૂષણ જીવલેણ સ્તર પર પહોંચી ગયું, એવામાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ ફટાકડા ફોડવાના વખાણ કર્યા હતા. જેને કારણે ભાજપના નેતાની ભારે ટીકા થઇ હતી. કપિલ મિશ્રાએ ટ્વીટર પર લખ્યું હતું કે દિલ્હી તમારા પર (ફટાકડા ફોડયા) તેનું ગૌરવ છે, આ વિરોધનો અવાજ છે. કપિલ મિશ્રાએ ફટાકડા ફોડવાને અભિવ્યક્તિની આઝાદી સાથે સરખાવી નાખ્યું હતું.

 પરીણામે હવે ટીએમસીના સાંસદ સાકેત ગોખલેએ ભાજપના નેતાને ઘેર્યા હતા અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાર્યવાહીની પણ માગણી કરી હતી. ગોખલેએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ફટાકડા ફોડી રહ્યા છે. દિલ્હી પોલીસે તેમની સામે શું કાર્યવાહી કરી તેના ડેટા પણ ગોખલેએ માગ્યા હતા.  


Google NewsGoogle News