એસસી-એસટી અનામતમાં ક્વોટાને સુપ્રીમની મંજૂરી
- બંધારણીય બેન્ચનો 6:1ની બહુમતીથી ચૂકાદો, સુપ્રીમના જ 2004ના ચૂકાદાને પલટાવ્યો, કેન્દ્ર સરકારનું પણ સમર્થન
- પેટા કેટેગરીમાં જાતિઓના સમાવેશ માટે રાજ્ય સરકાર પાસે ડેટા હોવો જરૂરી, નિર્ણયો ન્યાયિક સમીક્ષાને આધીન, ક્રિમિલેયરને અનામત નહીં
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક ચૂકાદો આપતાં અનુસૂચિત જાતિ-જનજાતિમાં અત્યંત પછાત જાતિઓને અનામતનો લાભ આપવા માટે પેટા કેટેગરી બનાવવા રાજ્ય સરકારોને બંધારણીય શક્તિ આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત જાતિઓના ઉત્થાન માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવવા રાજ્યોને સંમતિ આપી છે. હવે રાજ્યોની વિધાનસભાઓ એસસી-એસટીની અંદર પેટા કેટેગરી બનાવવા કાયદો બનાવી શકશે. જોકે, સુપ્રીમે રાજ્યોને ક્રિમિલેયરને આ અનામતથી બહાર રાખવા નિર્દેશ આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ૬:૧ની બહુમતીથી આ ચૂકાદો આપ્યો હતો. આ બેન્ચમાં એકમાત્ર ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ અસંમતિપૂર્ણ મત વ્યક્ત કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ગુરુવારે ઈવી ચેન્નૈયા વિ. આંધ્ર પ્રદેશ રાજ્ય કેસમાં વર્ષ ૨૦૦૪માં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આપેલા ચૂકાદાને ફેરવી તોળ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે પંજાબ, તમિલનાડુ અને અન્ય રાજ્યોમાં ક્વોટાની અંદર ક્વોટા માટે પેટા કેટેગરીની કાયદેસરતાને જાળવી રાખી છે. આ ચૂકાદામાં કહેવાયું હતું કે, એસસી-એસટી કેટેગરી હેઠળ પેટા વર્ગીકરણ કરી શકાય નહીં, કારણ કે તે એક સમાન વર્ગમાં આવે છે.
જોકે, મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડ, ન્યાયાધીશો બીઆર ગવઈ, વિક્રમનાથ, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે રાજ્યોને અનામતની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. જોકે, ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ વિરોધી મત વ્યક્ત કરતા ૮૫ પાના ચૂકાદામાં કહ્યું હતું કે, માત્ર કેન્દ્ર સરકાર જ અનુસૂજિત જાતિ-જનજાતિમાં કોઈ જાતિનો સમાવેશ અથવા બાકાત કરી શકે છે. બંધારણમાં રાજ્યોને આવી કોઈ સત્તા આપવામાં આવી નથી.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે તેમના ૧૪૦ પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બંધારણની કલમ ૧૫ અને ૧૬ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે અત્યંત પછાત જાતિઓની ઓળખ કરીને એસસી-એસટી અનામતની અંદર અનામત માટે પેટા કેટેગરી બનાવવા સક્ષમ છે. ક્વોટાની અંદર ક્વોટા ગુણવત્તાની વિરુદ્ધ નથી. એસસી-એસટી વર્ગમાંથી આવતા લોકો મોટાભાગ ેસિસ્ટમના ભેદભાવના કારણે પ્રગતિ કરી શકતા નથી. પેટા કેટેગરી બંધારણની કલમ ૧૪ હેઠળ સમાનતાના સિદ્ધાંતનો ભંગ નથી કરતી. જોકે, રાજ્યો તેમની મરજી મુજબ અથવા રાજકીય લાભના આધારે એસસી-એસટીમાં પેટા કેટેગરી નિશ્ચિત કરી શકશે નહીં અને તેમના નિર્ણયો ન્યાયિક સમીક્ષાને અધીન રહશે.
સમાજમાં મૂળ અને જરૂરિયાતમંદ જાતિઓને પેટા કેટેગરીમાં અનામતનો વધુ લાભ મળે તેવા હેતુથી સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે. પેટા કેટેગરીમાં અનામતમાં જાતિઓના સમાવેશ માટે સરકાર પાસે ડેટા હોવો જોઈએ. આ ડેટાનો આધાર વાસ્તવિક સરવે હોવો જોઈએ. રાજ્ય સરકાર કોઈ જાતિને પેટા કેટેગરી હેઠળ ૧૦૦ ટકા અનામત આપવાનો નિર્ણય કરશે તો તે ચેડાં સમાન રહેશે.
ન્યાયાધીશ બીઆર ગવઈએ મુખ્ય ન્યાયાધીશ સાથે સંમત થવાની સાથે અલગથી તેમના ૨૮૧ પાનાના ચૂકાદામાં કહ્યું કે વધુ પછાત વર્ગોને પ્રાથમિક્તા આપવી રાજ્યોની ફરજ છે. એસસી-એસટી વર્ગમાં માત્ર કેટલીક જાતિઓ જ અનામતનો લાભ મેળવી રહી છે. એસસી-એસટીમાં પણ કેટલીક જાતિઓ સદીઓથી વધુ શોષણનો સામનો કરી રહી છે એ વાસ્તવિક્તાનો ઈન્કાર કરી શકાય નહીં. અનામતનો આશય સામાજિક અને શૈક્ષણિક રૂપે પછાત વર્ગોને તક પૂરી પાડવાનો છે, પરંતુ હમેશા મોટા જૂથોની અંદર કેટલાક જૂથો વધુ લાભ ઉઠાવી લે છે, જેથી અન્ય વર્ગો ઉપેક્ષિત રહી જાય છે. રાજ્યોએ પેટા કેટેગરી આપતા પહેલા એસસી-એસટી શ્રેણીઓ વચ્ચે ક્રીમીલેયરની ઓળખ કરવા માટે એક નીતિ લાવવી જોઈએ. સરકારે ક્રીમીલેયરને અનામતનો લાભ મેળવતા રોકવા જોઈએ.
ન્યાયાધીશ વિક્રમ નાથે કહ્યું કે ક્રીમીલેયરના સિદ્ધાંત એસસી-એસટી પર એ જ રીતે લાગુ થાય છે, જે રીતે ઓબીસી પર લાગુ થાય છે. આ કેસની સુનાવણીમાં કેન્દ્ર સરકારે દેશમાં દલિત વર્ગો માટે અનામતનું પુરજોરથી સમર્થન કર્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૮-૧૯માં દેશમાં ૧,૨૬૩ અનુસૂચિત જાતિ હતી.
ક્વોટાની અંદર ક્વોટા કેવી રીતે અપાશે
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અનુસૂજિત જાતિ અને અનુસૂજિત જનજાતિઓ માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવ્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટના ગુરુવારના આદેશ સાથે અનામતની અંદર ક્વોટા મળશે.વર્તમાન વ્યવસ્થા મુજબ અનુસૂજિત જાતિને ૧૫ ટકા, અનુસૂચિત જનજાતિને ૭.૫ ટકા અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને ૨૭ ટકા તેમજ આર્થિક રીતે પછાત વર્ગને ૧૦ ટકા અનામત આપવામાં આવે છે. હવે સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાના પગલે અનુસૂચિત જાતિના ૧૫ ટકા અનામતની અંદર પેટા કેટેગરી બનાવી અનુસૂચિત જાતિની અત્યંત પછાત અને જરૂરિયાતમંદ જાતિઓને અનામત અપાશે. એટલે કે અનામતનો લાભ મેળવતા પછાત અને જરૂરિયાતમંદ વર્ગોની અંદર પણ ઉપેક્ષિત રહી ગયેલી જાતિઓને પેટા કેટેગરી હેઠળના અનામતનો લાભ મળી રહે તે નિશ્ચિત કરવામાં આવશે.