ડોક્ટર પર રેપ-હત્યા કેસના મહત્વના દસ્તાવેજો ન હોવાથી સુપ્રીમ નારાજ

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
ડોક્ટર પર રેપ-હત્યા કેસના મહત્વના દસ્તાવેજો ન હોવાથી સુપ્રીમ નારાજ 1 - image


- ડોક્ટરોની હડતાળ વચ્ચે 23 દર્દીના મોત

- હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને મંગળવાર સુધીમાં કામ પર પરત ફરવા સુપ્રીમનો આદેશ, ડયૂટીના ભોગે ધરણા ના હોય તેવી ટકોર

કોલકાતા : સુપ્રીમ કોર્ટે સોમવારે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ-હત્યાના કેસમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો ન હોવાને કારણે ચિંતા વ્યક્ત કરી હતી. આ દસ્તાવેજો પીએમ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાથે જ સુપ્રીમ કોર્ટે બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોને કામ પર પરત  ફરવા માટે પણ કહ્યું હતું. જે માટે ડોક્ટરોને સુપ્રીમે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. સાથે જ હડતાળ પર ઉતરેલા ડોક્ટરોની સામે કોઇ જ પગલા લેવામાં ના આવે તેવો પણ આદેશ પ્રશાસનને આપ્યો હતો. 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની બેંચે સીબીઆઇ અને બંગાળ સરકારને સવાલ પૂછ્યો હતો કે બોડીને પીએમ માટે સોંપવામાં આવી તે સમગ્ર પ્રક્રિયાના દસ્તાવેજો ક્યાં છે? સીબીઆઇ વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે આ દસ્તાવેજો અમારા રેકોર્ડનો ભાગ નથી. જ્યારે બંગાળ સરકારના વકીલ કપિલ સિબલે કહ્યું હતું કે અમે હાલ તાત્કાલીક દસ્તાવેજો શોધી શકીએ તેમ નથી. જે માટે અમારે થોડો સમય જોઇએ છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ રેપ અને હત્યાના આ કેસમાં ઘટનાના ૧૪ કલાક બાદ મોડા ફરિયાદ દાખલ કરવાને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર તપાસનો રિપોર્ટ ૧૭મી સપ્ટેમ્બર સુધી સોંપવા માટે સુપ્રીમે સીબીઆઇને આદેશ આપ્યો હતો. 

બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે, આ સ્થિતિમાં હોસ્પિટલનું કામ અટકી જવાથી ૨૩ દર્દીના મોત નિપજ્યા છે. જે બાદ સુપ્રીમ કોર્ટે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને કહ્યું હતું કે પોતાની ફરજના ભોગે આંદોલન ના કરી શકાય. જે સાથે જ ડોક્ટરોને કામ પર પરત ફરવા માટે પણ કહ્યું હતું. સુપ્રીમે આ સાથે જ આરજી કર હોસ્પિટલમાં તૈનાત સીઆઇએસએફના કર્મચારીઓને તમામ સુવિધા પુરી પાડવા બંગાળ સરકારને આદેશ આપ્યો હતો. બીજી તરફ ભાજપે આરોપ લગાવ્યો હતો કે મમતા સરકારનો ગંદો ચેહરો સુપ્રીમ કોર્ટમાં ખુલ્લો પડી ગયો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે દસ્તાવેજો જ ગાયબ છે જેને લઇને સુપ્રીમે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં મમતા સરકારનો ગંદો ચેહરો ખુલ્લો પડી ગયો છે.


Google NewsGoogle News