સની લિયોન છત્તીસગઢ સરકારની યોજનાની લાભાર્થી, પતિનું નામ જોની સીંસ!
- મહતારી વંદન યોજના હેઠળ દર મહિને હજાર રૂપિયા જમા થયા
- સરકારની યોજનામાં મોટો ભ્રષ્ટાચાર, કરીના કપૂરના નામે પણ રૂપિયા જમા નથી થઇ રહ્યાને, તપાસ કરો ઃ કોંગ્રેસ
- સરકારની યોજના ઐતિહાસિક છે, બસ્તરમાં હિરોઇનના નામે રૂપિયા જમા થયા તેની તપાસ ચાલે છે ઃ ભાજપ
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં મહતારી વંદન યોજનાના લાભાર્થીઓમાં સની લિયોનનો પણ સમાવેશ કરાયો છે. વેબસાઇટ પર તેનો નોંધણી નંબર પણ છે. જ્યારે આ નંબર નાખવામાં આવે છે ત્યારે સની લિયન અને પતિ તરીકે જોની સીંસનું નામ આવી રહ્યું છે.આ લાભાર્થીના ખાતામાં યોજના શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી છેલ્લા ૧૦ મહિનામાં દર મહિને એક હજાર રૂપિયા જમા પણ થયા છે. આ એક ફેક લાભાર્થી હોવાનું સામે આવતા કોંગ્રેસે સત્તાધારી ભાજપ સરકારને ઘેરી હતી અને યોજનામાં બહુ મોટુ કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો.
છત્તીસગઢ કોંગ્રેસના પ્રમુખ દીપક જૈને છત્તીસગઢ સરકાર પર પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે અમને લોકોને શરૂઆતથી જ શંકા હતી કે રાજ્યની સરકારે છત્તીસગઢની માતાઓ અને બહેનો સાથે મહતારી વંદન યોજના હેઠળ બહુ મોટી ગોલમાલ કરી છે. કોણ છે આ સની લિયોન જેના ખાતામાં સરકાર રૂપિયા નાખી રહી છે? તેનો સુત્રધાર કોણ છે તેની તપાસ થવી જોઇએ. સરકારે તપાસ કરવી જોઇએ કે ક્યાં કરીના કપૂરના નામે તો રૂપિયા નથી જમા થઇ રહ્યાને? મહતારી વંદન યોજનાના નામે બહુ મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
જેને કારણે જ આ પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. દીપક જૈનના આરોપોનો જવાબ આપતા ભાજપના ધારાસભ્ય સુશાંત શુક્લાએ દાવો કર્યો હતો કે આ યોજના ઐતિહાસિક છે. બસ્તર વિસ્તારમાં કોઇ ખામી સામે આવી છે. એક હિરોઇનના નામે રૂપિયા ખાતામાં જઇ રહ્યા છે જેની તપાસ કરવામાં આવશે.