VIDEO : 'આવતીકાલે કેજરીવાલ કોર્ટમાં દારૂ કૌભાંડના પૈસાનો કરશે ખુલાસો', સુનીતા કેજરીવાલનો મોટો દાવો
- દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 28 માર્ચ સુધી EDની રિમાન્ડમાં છે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 27 માર્ચ 2024, બુધવાર
Arvind Kejriwal News : દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ 28 માર્ચના રોજ સમગ્ર દેશને જણાવશે કે, આ કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા. સુનીતા કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે, કાલે સાંજે મેં અરવિંદ કેજરીવાલ સાથે જેલમાં મુલાકાત કરી હતી. બે દિવસ પહેલા તેમણે દિલ્હીમા જળ મંત્રી આતિશીને સંદેશ મોકલ્યો હતો કે, પાણી અને ગટરની સમસ્યાનું સમાધાન થવું જોઈએ. આ બાબત પર કેન્દ્ર સરકારે મુખ્યમંત્રી પર કેસ કરી દીધો. શું તેઓ દિલ્હીને તબાહ કરવા માગે છે?
ED એ છેલ્લા બે વર્ષમાં 250થી વધુ દરોડા પાડ્યા
તેમણે આગળ કહ્યું કે, કહ્યું કે આ દારૂ કૌભાંડની તપાસમાં ED એ છેલ્લા બે વર્ષમાં 250થી વધુ દરોડા પાડ્યા છે. તેઓ કથિત કૌભાંડના પૈસા શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ દરોડામાં તેમને પૈસા નથી મળ્યા. આ મામલે EDએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહને ત્યાં દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા પરંતુ તેમને પૈસા નથી મળ્યા. હવે કેજરીવાલે કહ્યું છે કે તેઓ આનો ખુલાસો 28મી માર્ચે કોર્ટમાં કરશે. તેઓ તેના પુરાવા પણ આપશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે મારું શરીર જેલમાં છે પણ મારી આત્મા તમારી વચ્ચે છે.
દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 28 માર્ચ સુધી EDની રિમાન્ડમાં છે. આ દરમિયાન કેજરીવાલને તેમની પત્ની સુનીતા અને અંગત સચિવ વિભવ કુમારને દરરોજ મળવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી સાંજે 6 થી 7 દરમિયાન તેમના વકીલ મોહમ્મદ ઈર્શાદ અને વિવેક જૈનને મળી શકે છે.