દિલ્હીમાં સુંદરકાંડના પાઠ કરનાર CM કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ, કહ્યું-'AAPને ચૂંટણી ટાણે બધું યાદ આવ્યું'
મહિનાના પહેલા મંગળવારે દિલ્હીના 2600 સ્થળે સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે
Sundarkand In Delhi: અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીમાં સુંદરકાંડનું આયોજન કર્યું છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સાથે રોહિણીના પ્રાચીન શ્રી બાલાજી મંદિરમાં સુંદરકાંડ પાઠમાં જોડાયા હતા.
ભાજપે AAPના સુંદરકાંડ પર સવાલ ઉઠાવ્યા
ભાજપના પ્રવક્તા બાંસુરી સ્વરાજે દિલ્હીમાં સુંદરકાંડના પાઠને લઈને કહ્યું કે, ચૂંટણી પહેલા જ અલવિંદ કેજરીવાલ ભગવાન રામ અને સુંદરકાંડ પાઠ યાદ આવે છે. અગાઉ પણ તેમણે એમસીડીની ચૂંટણી પહેલા સુંદરકાંડના પાઠની જાહેરાત કરી હતી અને હવે સામાન્ય ચૂંટણી પહેલા સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે.
દિલ્હીમાં 2600થી વધુ સ્થળોએ સુંદરકાંડનું આયોજન કરાશે
ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે જાહેરાત કરતા જણાવ્યું કે,'દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ એક નવું સંગઠન બનાવ્યું છે, જે અંતર્ગત સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. 16મી જાન્યુઆરીથી તમામ વિધાનસભાઓમાં પક્ષના ધારાસભ્યો, કાઉન્સિલરો અને સંગઠનના અધિકારીઓ સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરશે. હું દિલ્હીના લોકોને આમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આમંત્રિત કરું છું. મહિનાના પહેલા મંગળવારે તેનું આયોજન વિધાનસભા સ્તરે, પછી વોર્ડ સ્તરે અને પછી મંડલ સ્તરે કરવામાં આવશે. જો દરેક વિભાગમાં એક કાર્યક્રમ હશે તો દર મહિને 2600થી વધુ સ્થળોએ સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે.'
નોંધનીય છે કે, 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને આપ સહિત વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.