ગરમીથી ત્રાહિમામ, દિલ્હીવાસીઓએ સહન કરી 12 વર્ષની સૌથી ગરમ રાત, વાંચો IMDનું અપડેટ
Hottest Night in Delhi: હીટ વેવના કારણે ઉત્તર ભારતના તમામ રાજ્યો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે બુધવારે દિલ્હીમાં 12 વર્ષ પછી સૌથી ગરમ રાત હતી. જેનું લઘુતમ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું હતું. જે દર વખતની સિઝન કરતા આઠ ડિગ્રી વધુ હતું. આપહેલા મંગળવારે પણ 33.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ દિલ્હીમાં સૌથી ગરમ રાત જૂન 2012માં નોંધાઈ હતી.
હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે બેડ રિઝર્વ રખાશે
હાલ દિલ્હીમાં હીટ વેવની સ્થિતિના કારણે હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક અને થાકની ફરિયાદ કરતા દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ડૉક્ટરો દ્વારા વૃદ્ધો તેમજ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓને બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે.
તેમજ દિલ્હીના આરોગ્યમંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હી સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે બે બેડ રિઝર્વ રાખવાની જાહેરાત કરી છે. તેમજ એલએનજેપી હોસ્પિટલમાં પાંચ બેડ રિઝર્વ રાખવામાં આવશે.
બુધવારે વરસાદની શક્યતા
ઉત્તર અને પૂર્વ ભારતનો ભાગ કાળઝાળ ગરમીથી તપી રહ્યો હોવાથી વીજળીની માંગ વિક્રમી સ્તરે પહોંચી છે. તેમજ નદી અને જળાશયોના પાણીના સ્તર પણ ખૂબ જ નીચા ગયા છે. ઘણા વિસ્તારો પાણીના ટેન્કરના ભરોસે છે. રાતના સમયે પણ તાપમાન ઊંચું રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારમાં પણ ગરમીની લહેર જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં ઘણી જગ્યાએ તાપમાન 44 થી 46 ડિગ્રી વચ્ચે રહ્યું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે બુધવારે હળવા વરસાદથી થોડી રાહત મળી શકે છે.
પાવર ગ્રીડ, શોર્ટ સર્કિટ અને આગના બનાવો વધ્યા
દિલ્હીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ યો લઘુત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું. આ વર્ષના સામાન્ય તાપમાન કરતાં લગભગ 6 ડિગ્રી વધુ છે. જેના કારણે મંગળવારે દિલ્હીમાં વીજળીની મહત્તમ માંગ 8,647 મેગાવોટ પર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો પણ વધ્યા છે.
આ સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું
ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઓછામાં ઓછા 10 સ્થળોએ મંગળવારે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જેમાં ઉત્તર પ્રદેશનું ઓરાઈ 46.4 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું. જયારે રાજસ્થાનમાં સાંગરિયામાં 44.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
તેમજ IMD દ્વારા મળતી માહિતી મુજબ આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા મુજબ દેશમાં મે મહિનામાં ગરમીના કારણે 46 લોકોનું મૃત્યુ થયું હતું તેમજ હીટ સ્ટ્રોકના 19,000 થી વધુ કેસ નોંધાયા હતા.
ભારતમાં એપ્રિલ અને મે દરમિયાન ભારે ગરમી અને હીટ વેવ સામાન્ય છે. તેમજ વિજ્ઞાનીઓ અનુસાર ક્લાઈમેટ ચેન્જના કારણે તેની અસર વધુ જોવા મળે છે. ડેટા મુજબ 2006 પછી ભારતમાં 12 વખત સૌથી વધુ ગરમ વર્ષનો અનુભવ થયો છે, જેમાં 2016નું વર્ષ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન ધરાવતું વર્ષ રહ્યું છે.